
Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તહેવારોની રજાઓ દરમિયાન મોટી ચોરીની ઘટના બની છે. જેમાં તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને ગેસ કટર વડે કાપીને 20 કરોડથી વધુના રફ હીરા અને રોકડની ચોરી કરી હતી. આ સાથે, પુરાવા નાશ કરવા માટે તસ્કરોએ ફેક્ટરીના CCTV કેમેરા તોડી નાખ્યા અને DVR પણ લઈ ગયા. આ ઘટનાની જાણ થતાં DCP, ACP, ક્રાઇમ બ્રાન્ચ અને FSLનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
તહેવારની રજાઓમાં તસ્કરોનો હાથફેરો
મળતી માહિતી મુજબ કપૂરવાડી ખાતે ચોથા માળે આવેલી આ ડાયમંડ કંપનીમાં 15થી 17 ઓગસ્ટની રજાઓનો લાભ લઈને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. 15 ઓગસ્ટની સાંજે માલિકે કંપની બંધ કરી હતી, અને 18 ઓગસ્ટે સવારે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો. તસ્કરોએ ગેસ કટર મશીન વડે તિજોરી કાપી, કિમતી હીરા અને રોકડ લૂંટી લીધા.
પોલીસની તપાસ શરૂ
આ મામલે DCP આલોક કુમારે જણાવ્યું કે, ચોરીની ઘટના બની ત્યારે કંપની બંધ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. ઘટનાસ્થળે ગેસ કટરના નિશાન અને તૂટેલી ટાઇલ્સ મળી આવી છે, જેના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ
આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચાવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે, કારણ કે તસ્કરોએ ન માત્ર કિમતી સામાનની ચોરી કરી, પરંતુ પુરાવાનો નાશ પણ કર્યો. પોલીસે માલિકના હિસાબે 20 કરોડથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે હાલ તો પોલીસે આ મામલે FIR દાખલ કરીને સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આસપાસના રસ્તાઓ અને વાહનોની તપાસ કરી રહી છે, જેથી તસ્કરોનો પત્તો લગાવી શકાય. આ ઘટનાએ હીરા ઉદ્યોગમાં સુરક્ષા વધારવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ








