
Surat Sukhpreet Kaur Suicide Case: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં ચાર મહિના બાદ આરોપીને પોલીસે પકડ્યો છે. સારોલી પોલીસે આ કેસમાં મૃતકના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે. મૃતકની બેગમાંથી મળેલી એક અરજીમાં મહેન્દ્ર રાજપૂત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં તેના અમાનુષી અત્યાચાર, મારઝૂડ, બ્લેકમેલિંગ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ઉલ્લેખ છે.
કારકિર્દી બનાવવા યુવતી સુરત આવી હતી
મૂળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની સુખપ્રીત કૌર (ઉંમર 19) એક વર્ષ પહેલાં મોડલિંગની કારકિર્દી બનાવવા માટે સુરત આવી હતી. તે સારોલીના કુંભારીયા ગામ પાસે આવેલી સારથી રેસિડેન્સીમાં તેની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. 2 મે, 2025ની રાત્રે, સુખપ્રીતે તેના ફ્લેટના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બન્યા બાદ તેની બહેનપણીઓએ દરવાજો ન ખોલવાથી પાડોશીઓની મદદથી દરવાજો તોડ્યો, જ્યાં સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી.
સારોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી, પરંતુ રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ કે અન્ય પુરાવા મળ્યા ન હતા. સુખપ્રીતના પરિવારને જાણ કરવામાં આવી, અને તેના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ (ઉંમર 58) સુરત આવ્યા. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારે સુખપ્રીતની ડેડબોડી અને તેનો સામાન મધ્યપ્રદેશ લઈ જઈ અંતિમવિધિ આટોપી હતી.
અંતિમવિધિ બાદ સુખપ્રીતના પિતાએ તેનો સામાન ચેક કરતાં એક બેગમાંથી હિન્દીમાં લખેલી અરજી મળી, જે પોલીસ અધિક્ષક, ગુજરાતને સંબોધીને હતી. આ અરજીમાં સુખપ્રીતે તેના લિવ-ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. અરજીમાં જણાવ્યું હતું કે મહેન્દ્રે તેને ઘરમાં ગોંધી રાખી, મારઝૂડ કરી, હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપ્યા હતા. આ ઉપરાંત, તેના અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કર્યું હતું. આવા માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળી સુખપ્રીત આત્મહત્યા કરવા મજબૂર બની હતી.
સુખપ્રીતે તેની અરજીમાં જણાવ્યું હતું કે, તે સુરતની મુખ્ય મોડલિંગ એજન્સીમાં કામ કરતી હતી. 6 ઓગસ્ટ, 2024ના રોજ તેની મુલાકાત મહેન્દ્ર રાજપૂત સાથે થઈ, અને બંને સારા મિત્રો બન્યા. આ મિત્રતા લિવ-ઇન રિલેશનશિપમાં બદલાઈ, પરંતુ એક મહિના બાદ મહેન્દ્રે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. સુખપ્રીતે સંબંધ તોડવાનો નિર્ણય લીધો, પરંતુ મહેન્દ્રે તેના અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું. 19 ડિસેમ્બર, 2024ના રોજ મહેન્દ્રે તેને પોતાના ફ્લેટમાં બોલાવી, એક દિવસ સુધી ગોંધી રાખી, મારપીટ કરી, હાથ-પગમાં બ્લેડના ઘા માર્યા અને ડામ આપ્યા. સુખપ્રીત કોઈક રીતે ભાગીને પોતાના ઘરે પહોંચી, પરંતુ મહેન્દ્રે ધમકીઓ ચાલુ રાખી અને આત્મહત્યા માટે ઉશ્કેરી.
પોલીસ તપાસ અને ધરપકડ
સુખપ્રીતના પિતાએ આ અરજી સારોલી પોલીસને સોંપી, જેના આધારે પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો. પોલીસે મહેન્દ્રના ઘરે તપાસ કરી, પરંતુ તેણે ઘરને તાળું મારી ફરાર થઈ ગયો હતો. ચાર મહિનાની સઘન તપાસ બાદ, સારોલી પોલીસે આખરે મહેન્દ્ર રાજપૂતને ઝડપી પાડ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રના માનસિક અને શારીરિક અત્યાચારોના કારણે સુખપ્રીતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. સારોલી પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે
આ ઘટનાએ સમાજમાં મહિલાઓની સુરક્ષા અને લિવ-ઇન રિલેશનશિપની જટિલતાઓ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. સુખપ્રીતની અરજી એ દર્શાવે છે કે, તે મહેન્દ્રના અત્યાચારથી એટલી હેરાન થઈ ગઈ હતી કે તેણે પોલીસને અરજી લખી, પરંતુ તે પોલીસ સુધી પહોંચી ન હતી. આ ઘટના બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસના મુદ્દાઓને પણ ઉજાગર કરે છે, જે ઘણીવાર યુવતીઓને આત્મઘાતી પગલાં ભરવા મજબૂર કરે છે.
આ પણ વાંચો:
Surat: લોકો ના, ના કહેતા રહ્યા, મહિલાએ રાષ્ટ્રધ્વજને સળગાવી દીધો, વીડિયો વાયરલ થતાં….
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?
મોદીને ઠપકો આપતો માતા હીરાબાનો AI વીડિયો તાત્કાલિક દૂર કરવા હાઈકોર્ટનો આદેશ | AI Video








