
- ટ્રમ્પના 25% ટેરિફથી ભારત પર વધ્યું ડમ્પિંગનું જોખમ; જાણો હવે આગળનો રસ્તો શું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર તેમની પહેલી વ્યાપક 25% ટેરિફ નીતિ લાગુ કરી દીધી છે. આ પગલાથી ભારતમાં ડમ્પિંગનું દબાણ વધી શકે છે. ચીનના મોટા પાયે ઉત્પાદનને કારણે અહીં સ્ટીલના પુરવઠામાં પહેલેથી જ મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી વૈશ્વિક વેપારમાં એક નવી હલચલ મચી ગઈ છે, અને ભારત સહિત ઘણા દેશો માટે આર્થિક પડકારો ઉભા થઈ શકે છે.
ટ્રમ્પની આ નીતિ યુએસ બજારમાં ચીની સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અસરકારક ટેરિફ 45% સુધી લઈ જાય છે. કારણ કે આ પહેલા તેમણે ચીની આયાત પર 20% ના વ્યાપક ટેરિફની પણ જાહેરાત કરી હતી. આનાથી ચીન માટે અમેરિકામાં પોતાના ઉત્પાદનો વેચવાનું મુશ્કેલ બનશે. આ કારણે તે ભારત અને યુરોપ જેવા અન્ય બજારો તરફ વળી શકે છે. ભૂતકાળમાં જ્યારે પણ યુએસ ટેરિફ વધ્યા છે, ત્યારે આ ક્ષેત્રોમાં ડમ્પિંગ દબાણ વધ્યું છે, જ્યાં માંગ સ્થાનિક ઉત્પાદન ક્ષમતા કરતાં વધી ગઈ છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ યુરોપિયન યુનિયને આવી સ્થિતિ બચવા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેનાથી ભારતીય નિકાસને નુકસાન થયું હતું.
ભારતમાં સસ્તા ચીની સ્ટીલનો પૂર આવેલ છે, જે પહેલાથી જ એક સમસ્યા છે. ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ભારત અમેરિકામાંથી $842 મિલિયન મૂલ્યનું લોખંડ અને સ્ટીલ આયાત કરે છે જ્યારે $494.2 મિલિયનની નિકાસ કરે છે. $898.9 મિલિયનની કિંમતની એલ્યુમિનિયમની આયાત અને $859.8 મિલિયનની નિકાસ કરે છે. આ રીતે ભારત વેપાર ખાધમાં (નુકશાન) છે. જો ચીન હવે ભારતને સસ્તા ભાવે સ્ટીલ વેચવાનો પ્રયાસ કરશે, તો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ પર દબાણ વધુ વધશે.
આ સંકટ વચ્ચે કેન્દ્રીય સ્ટીલ રાજ્યમંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકારે પહેલાથી જ અનેક પગલાં ભર્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે સસ્તા અને હલકી ગુણવત્તાવાળા સ્ટીલને રોકવા માટે ગુણવત્તા નિયંત્રણ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ચીનમાંથી સીમલેસ ટ્યુબ, પાઇપ અને હોલો પ્રોફાઇલ જેવા કેટલાક સ્ટીલ ઉત્પાદનો; કોરિયા, જાપાન અને સિંગાપોરથી ઇલેક્ટ્રો-ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ અને વિયેતનામ અને થાઇલેન્ડથી આવતા વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી છે.
વર્માએ એ પણ માહિતી આપી હતી કે ચીન અને વિયેતનામથી આવતા વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપો અને ટ્યુબ પર કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવામાં આવી છે. તે ઉપરાંત સ્ટીલ ઉદ્યોગ માટે કાચા માલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 2.5% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. જોકે, ટ્રમ્પના નવા ટેરિફના જવાબમાં ભારત હજુ પણ કોઈ સીધો જવાબ આપવાનું ટાળી રહ્યું છે. પહેલા આવું વલણ નહોતું. કેમ કે, 2019માં ભારતે યુએસ માલ પર બદલો લેવા માટે ટેરિફ લગાવી દીધા હતા.
ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક વેપાર યુદ્ધનો ડર વધી ગયો છે. વિશ્વના સૌથી મોટા વેપારી જૂથ, યુરોપિયન યુનિયને જવાબી કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
યુરોપિયન યુનિયન (EU)એ કહ્યું કે યુએસ ટેરિફથી તેના 18 બિલિયન યુરોના નિકાસ પર અસર થશે, જેના જવાબમાં તે એપ્રિલના મધ્ય સુધીમાં યુએસ માલ પર 26 બિલિયન યુરો સુધીની ડ્યુટી લગાવી શકે છે. ચીને પણ અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લગાવીને પ્રતિક્રિયા આપી છે.
વિશ્વ બેંકો પહેલાથી જ ચેતવણી આપી હતી કે અમેરિકાના 10 ટકા ટેરિફના જવાબમાં અન્ય દેશ પણ ટેરિફ લગાવે છે તો 2025માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 0.3 ટકા સુધી ઓછી થઈ શકે છે. તે પહેલાથી જ 2.7% પર સુસ્ત પડેલી છે. હવે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદવાથી આ ખતરો વધુ ઘનઘોર બન્યો છે.
શું કહે છે નિષ્ણાતો ?
રેટિંગ એજન્સી મૂડીઝ માને છે કે ટ્રમ્પના ટેરિફની અસર ભારત પર અન્ય એશિયન દેશો કરતાં ઓછી થશે, કારણ કે ભારતની નિકાસ વૈવિધ્યસભર છે અને અમેરિકા પર તેની નિર્ભરતા મર્યાદિત છે. જોકે, S&P ગ્લોબલ રેટિંગ્સે ચેતવણી આપી છે કે ભારત એવા દેશોમાંનો એક છે જે આ ટેરિફ યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જો ભારત ટેરિફ ઘટાડશે નહીં અને અમેરિકા જવાબી કાર્યવાહી કરશે તો નિકાસકારો પર અસર પડશે. તો બીજી તરફ ટેરિફ ઘટાડવાથી ડમ્પિંગનું જોખમ વધશે. આ બેધારી તલવાર ઉપર ચાલવા જેવી પરિસ્થિતિ છે.
ભારત માટે આગળ શું રસ્તો છે?
ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI)એ સૂચન કર્યું છે કે ભારતે અમેરિકા સાથે વેપાર વાટાઘાટા પર પુનર્વિચાર કરવો જોઈએ કારણ કે ટ્રમ્પની નીતિ ભારતની ચિંતાઓને નજક અંદાજ કરતી હોય તેવું લાગે છે. જો ભારત પ્રતિક્રિયાત્મક ટેરિફ નહીં લાદે તો ડમ્પિંગનું જોખમ વધશે. તો બીજી તરફ ટેરિફ લગાવે છે તો અમેરિકા સાથેના વેપાર સંબંધો તણાવપૂર્ણ બની શકે છે.
આ સ્થિતિમાં ભારત પાસે કેટલાક વિકલ્પો છે?
પ્રથમ, તે અમેરિકા સાથે વાટોઘાટો કરીને તેના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર છૂટ મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
બીજું, સબસિડી અને ટેકનિકલ સહાય આપીને સ્થાનિક ઉદ્યોગોને સસ્તી આયાત સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવામાં આવી શકે છે. ત્રીજું, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા વૈકલ્પિક બજારોમાં નિકાસ વધારવા માટે વ્યૂહરચના બનાવી શકાય છે.
ટ્રમ્પનો આ ટેરિફ ભારત માટે બેવડો પડકાર છે – એક તરફ ડમ્પિંગનો ખતરો, બીજી તરફ વૈશ્વિક વેપારમાં મંદીની અસર. આ સમય ભારત માટે તેની આર્થિક નીતિઓનું મૂલ્યાંકન કરવાનો અને સંતુલિત અભિગમ અપનાવવાનો છે, નહીં તો આ ટેરિફ યુદ્ધ ભારતને અણધાર્યું નુકસાન પહોંચાડી શકે છે.