
- વક્ફ (સુધારા) બિલને લઈને રાજ્યસભામાં હોબાળો; ખડગેએ- રિપોર્ટને ગણાવ્યો નકલી
રાજ્યસભામાં આજે સરકાર તરફથી વક્ફ સુધારા બિલ અંગે સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર જોરદાર હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. આ મામલે વિપક્ષ તરફથી આક્રમક વલણ અપનાવાયો હતો.
ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં વક્ફ બિલ અંગે JPCનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. જેના બાદ લોકસભા 2 વાગ્યા સુધી અને રાજ્યસભા 11:20 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. પછી રાજ્યસભામાં કાર્યવાહી ફરી શરૂ થતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ આક્રમક વલણ અપનાવતા આકરા પ્રહાર કર્યા હતા.
રાજ્યસભામાં ખડગેએ કરી આક્રમક ટિપ્પણીઓ
વક્ફ બિલ અંગે જેપીસીના રિપોર્ટને ફેક ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ આક્રમક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આવા નકલી રિપોર્ટને અમે માનતા નથી. ખડગેએ માંગણી કરી હતી કે, આ બિલને જેપીસીને મોકલવામાં આવે અને તમામ સભ્યોની સહમતિ બાદ જ આ બિલને ફરી રજૂ કરવામાં આવવું જોઈએ. તેમણે કહ્યું કે જેપીસીનો રિપોર્ટ બિનલોકશાહી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા ઊઠાવાયેલા વાંધાઓની સીધી અવગણના કરવામાં આવી હતી.
શું અમારા લોકો ભણેલા ગણેલાં નથી: ખડગે
ખડગેએ કહ્યું કે વિપક્ષના અનેક સભ્યોએ ડિસન્ટ નોટ્સ આપી હતી. તેને પ્રોસિડિંગમાંથી કાઢી નાખવા એ તો બિનલોકશાહી ગણાય. જેટલા લોકોએ ડિસન્ટ નોટ્સ આપ્યા હતા શું તેમાં કોઈ ભણેલા ગણેલા લોકો નથી. તમારે એ ડિસન્ટ નોટ્સ તમારા રિપોર્ટમાં ઉમેરવાની જરૂર હતી. તમે તો એને ડિલીટ કરીને રિપોર્ટ રજૂ કરી રહ્યા છો. આવા ફેક રિપોર્ટ અમે નહીં ચલાવી લઈએ.
આ પણ વાંચો-અમેરિકા પહોંચ્યા પછી પીએમ મોદીએ એક્સ-પોસ્ટ પર શું લખ્યું?
વિપક્ષના આરોપો ખોટા છે, કંઈપણ ડિલીટ નથી કર્યું : રિજિજુ
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ખડગેને જવાબ આપતાં કહ્યું કે આ બિલમાં બધું જ છે. કંઈપણ કાઢી નાખવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે વિપક્ષે ગૃહને ગેરમાર્ગે ન દોરવું જોઈએ. આ રિપોર્ટ નિયમો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. વિપક્ષના બધા આરોપો ખોટા છે. સંસદીય બાબતોના મંત્રીએ કહ્યું કે વિપક્ષ બિનજરૂરી મુદ્દા ઉઠાવી રહ્યો છે. વકફ સુધારા બિલ જે મંત્રાલય સાથે સંબંધિત છે, એટલે કે લઘુમતી બાબતોનું મંત્રાલય, એ મારી પાસે છે.
મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે : ઇમરાન મસૂદે
કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું છે કે મુસ્લિમો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમે આ બિલની વિરુદ્ધ છીએ. બંધારણ હેઠળ આપણને જે અધિકારો મળ્યાં છે આ તેની વિરુદ્ધ છે. આ બિલ ઇતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે સરકારે અમારી અસંમતિઓ ધ્યાને પણ લીધી નથી. તેમનો એજન્ડા લઘુમતીઓને નિશાન બનાવવાનો છે.
વક્ફ સુધારા બિલમાં ભાજપના સુધારાઓ રખાયા માન્ય
30મી જાન્યુઆરીના રોજ જેપીસી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને રિપોર્ટ સુપરત કર્યો હતો. ખરેખર તો 29 જાન્યુઆરીએ JPC પેનલે બહુમતીનાં આધારે રિપોર્ટ સ્વીકારી લીધો હતો. તેમાં શાસક ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરાયો હતો. સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે NDA સાંસદો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા.
આવકવેરાની જોગવાઈઓને સરળ બનાવવા માટે રચાયેલ આવકવેરા બિલ, 2025ને આજે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં, ‘આકારણી વર્ષ’ જેવી જટિલ પરિભાષાને બદલે ‘કર વર્ષ’નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. નવા બિલમાં 536 કલમો, 23 પ્રકરણો અને 16 અનુસૂચિઓ છે. તે ફક્ત 622 પાના પર છપાયેલું છે. આમાં કોઈ નવો કર લાદવાનો ઉલ્લેખ નથી.
આ પણ વાંચો-ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતાં ગુજરાતભરમાં વિરોધ, ભાજપની પાંખ જ સામે પડી