
Vadodara: વડોદરા શહેરમાં એક ગંભીર ઘટનાને લઈને શિક્ષકને સખત સજા ફટકારવામાં આવી છે. ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા “તત્ત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યુટ”ના શિક્ષક જસબીરસિંહ ચૌહાણે પાંચ વર્ષ પહેલા ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થીને લાફો મારીને તેના કાનના પડદામાં કાણું પાડી દીધું હતું. આ બનાવને પગલે વિદ્યાર્થીના માતા-પિતા દ્વારા ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના પર પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી.
શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો
મળતી માહિતી મુજબ 23 ડિસેમ્બરના રોજ ઘટી હતી. વિદ્યાર્થી તત્ત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતો હતો, જેના પિતા તેજસભાઈ ભટ્ટ પ્રકાશ સોસાયટીમાં રહે છે અને રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તે દિવસે શિક્ષકે વિદ્યાર્થીને બે દિવસ ક્લાસમાં ન આવવાના કારણે લાફો માર્યો હતો. જ્યારે તેજસભાઈ અને તેમની પત્ની ફી અને ટેસ્ટનું ફોર્મ આપવા માટે ક્લાસ પહોંચ્યા, ત્યારે તેમણે શિક્ષકને પોતાના પુત્રને લાફા ઝીંકતા જોયા. પછીથી વિદ્યાર્થીને કાનમાં અસહ્ય દુખાવો થયો, અને ઇએનટી ડૉક્ટરની તપાસમાં ખબર પડી કે તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે.
શિક્ષકને અદાલતે સંભળાવી આ સજા
આ બનાવ બાદ માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે જસબીરસિંહ ચૌહાણને ધરપકડ કરી હતી. લાંબી સુનાવણી બાદ અદાલતે શિક્ષકને ગુનો ગણાવી 6 મહિનાની કેદ અને 1.1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અદાલતે દંડની રકમમાંથી એક લાખ રૂપિયા ભોગ બનેલા વિદ્યાર્થીને આપવાનો આદેશ પણ આપ્યો છે. આ ચુકાદો ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો.
શિસ્તના નામે શારીરિક શિક્ષા પર પ્રશ્ન
આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્તના નામે શારીરિક શિક્ષા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. અદાલતનો આ ચુકાદો એવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની જરૂરિયાતને ઉજાગર કરે છે. શિક્ષકને જવાબદારી પૂર્વક બાળકોને અભ્યાસ કરાવવો જોઈએ બાળકોને માર મારવાથી બાળકોને જીંદગીભરની શારિરીક ખોડપણ આવી જાય તો તે કોઈ પણ વળતર આપવાથી પણ પુરી શકાતી નથી. જેથી શિક્ષકોએ જવાબદારી પૂર્વક પોતાની ફરજ નિભાવવી જોઈએ.
આ પણ વાંચો:






