
- સોશિયલ મિડીયા પર છવાયેલા રહેતાં અનિરુદ્ધાચાર્યની મૂર્ખતાને વૃદ્ધ પંડિતે ઉઘાડી પાડી
Aniruddhacharyaji Maharaj – સોશિયલ મિડીયા પર જેમની રીલ્સની ભરમાર છવાયેલી છે. જે સલમાન ખાનના રિયાલીટી શો બીગ બોસના સેટ પર પગલાં પાડી આવ્યાં છે અને જેમની પાસે અબૂધ ભક્તો અજગ ગજબ અને સાવ તર્ક વગરના પ્રશ્નો પુછવા પહોંચી જાય છે અને તેના એટલાં જ ચિત્ર – વિચિત્ર જવાબો આ વાઈરલ ગુરુ આપે છે. એ બધું તો ભારતની ભોળી પ્રજાને અભિભૂત કરવા માટે પુરતું છે.
તાજેતરમાં અનિરુદ્ધાચાર્યનો અખિલેશ યાદવ સાથે વિવાદ સામે આવ્યો હતો. વિવાદ અંગેના વિડીયોમાં જોવા મળે છે કે, અખિલેશ યાદવે પુછ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી પહેલું નામ કયું? તો એના ઉત્તરમાં અનિરુદ્ધાચાર્ય ગોળ ગોળ જવાબો આપીને વાતને આડે પાટે ચડાવવાનો પ્રયાસ કરે છે પણ જવાબ નથી આપી શકતાં. બાદમાં વાયરલ ગુરુએ આ વિવાદ અંગે પણ રિલ બનાવીને અખિલેશ યાદવને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ, ચોક્કસ જવાબ તો આપવામાં વાઈરલ ગુરુ સફળ થયાં હોય તેવું ક્યાંય જાણવા કે જોવા મળતું નથી.
વાઈરલ ગુરુ અનિરુદ્ધાચાર્યનો હાલ એક નવો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમના અજ્ઞાનની પોલ એક વૃદ્ધ પંડિત જાહેર મંચ પરથી ઉઘાડી પાડી રહ્યાં છે. ગુજરાતીમાં કહેવાય છે કે, અધૂરો ઘડો છલકાય ઘણો અને પ્રસિદ્ધિને કારણે છલકવામાં માપ ચુકી ગયેલા આ ઘડા પર વૃદ્ધ પંડિતે મોટો કાંકરો મારીને કાણું પાડ્યું હોય તેવું વિડીયો જોતાં જણાય છે.
વિડીયોમાં જોવા મળે છે કે, શ્રીમદ્ ભાગવત અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં શરૂઆતમાં જ વૃદ્ધ પંડિતજી કહે છે કે, ભાગવતમાં ક્યાંય રાધાનું નામ હશે તો હું કોઈને મોં નહીં બતાવું. ત્યારબાદ પંડિતજી સ્પષ્ટીકરણ આપે છે કે, અનિરુદ્ધાચાર્યએ કહ્યું કે શ્રીમદ્ ભાગવતમાં રાધાનું નામ છે એટલે મારે બોલવું પડ્યું. બાકી, હું ક્યારેય ના બોલત.
બાદમાં વૃદ્ધ પંડિતજી વિરોધ વ્યક્ત કરવા માટે પણ ક્ષમા માંગે છે. આમ તો આ ભાગ કદાચ સમગ્ર ચર્ચાનો એક ભાગ હોઈ શકે છે જે એડિટ કરીને આગળ મુકવામાં આવ્યો છે. પણ, વાઈરલ થયેલા વિડીયોમાં બાદમાં જોવા મળે છે કે, અનિરુદ્ધાચાર્ય શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના 10માં અધ્યાયનાં શ્લોક નંબર 40નો ઉલ્લેખ કરીને રાધાવન્તો શબ્દ ભાગવતમાં હોવાનું સાબિત કરવા જાય છે.
અનિરુદ્ધાચાર્યની આ વાત સાંભળતાં જ પંડિતજી વાંચીને કહે છે નાશ ના કરશો… આ રાધાવન્તો નહીં આધાવન્તઃ લખ્યું છે. એનો અર્થ થાય છે દોડતાં દોડતાં. આ સંધી થઈ ગઈ છે. ત્યારબાદ અનિરુદ્ધાચાર્ય ફરી પોતાની વિદ્વત્તા સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે અને વિદ્વાન પંડિત તેમની દરેક બાબતોનું સચોટ ખંડન કરે છે.
જાહેરમાં અપમાન થયું હોવા છતાં વાયરલ ગુરુ માત્ર મોં પર ખોટું સ્મિત ચોંટાડીને વારંવાર પોતાના ગુરુના નામે પોતાની વાત સાબિત કરવાનો નિરર્થક પ્રયાસ કરતાં રહે છે. પણ જ્ઞાની પંડિત સામે તેમનો કોઈ જ તર્ક ચાલતો નથી.
બાદમાં તો અન્ય લોકોએ પણ વચ્ચે પડવું પડે છે. હાલ લગભગ પોણા ચાર મીનીટનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જોકે, આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ, સોશિયલ મિડીયામાં જે દેખાડવામાં આવે છે એ બધું સાચું જ છે અને જ્ઞાનવર્ધક છે એવું માનવું સદંતર ખોટું છે.
ધર્મને ધંધો બનાવી ભારતની જનતા સામે સસ્તી પ્રસિદ્ધિ મેળવતાં લોકોને ખોટા સાબિત કરવા માટે દરેક શ્રદ્ધાળુએ પણ પોતાની મેળે સાચી વાત શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર રીલ જોઈને જે – તે બાબા – સાધુ કે પછી કોઈ નેતા વિશે અભિભૂત થવાનું હવે છોડવું બહું જ જરૂરી બને છે.
