
- ચેમ્પિયન ટ્રોફી યોજીને પાકિસ્તાનને શું મળ્યું? ન ફાઈનલ મળી ન નફો; થયું 851 કરોડ રૂપિયાનું નુકશાન
ગરીબીમાં આટા ગીલા કહેવત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સાચું ઠર્યું છે. પહેલાથી ખરાબ આર્થિક સ્થિતિ સામે ઝંઝૂમી રહેલી પીસીબીને પડ્યા ઉપર પાટું પડ્યું છે. પીસીબીએ વિચાર્યું હશે કે ચેમ્પિયન ટ્રોફી યોજવાથી તેના બધા દુ:ખ દર્દ ખત્મ થઈ જશે. વર્ષોથી ચાલી આવતી તેની ગરીબીને દૂર કરી શકશે પરંતુ થયું તેનાથી એકદમ ઉલ્ટૂં.. પહેલા ગરીબ હતા પરંતુ હવે કંગાળ થઈ ગયા છે. પાકિસ્તાનની કરમની કઠણાઇ એવી રહી કે ન તો તેને ફાઈનલ રમાડવા મળી, ન તેમની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી અને અંતે રહી જતું હતું તો ચેમ્પિયન ટ્રોફીના આયોજન થકી નફો પણ કમાવી શક્યા નહીં.
કેમ કે 29 વર્ષ બાદ પોતાની મેજબાનીમાં ICC ટુર્નામેન્ટ કરાવવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડી છે. કંગાળી વેઠી રહેલા પાકિસ્તાની બોર્ડને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાનીથી લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે થઈ હતી જેમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો.
પાકિસ્તાને સ્વપ્ન જોયા હતાં કે તેને આ ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીથી અબજો રૂપિયાનો ફાયદો થશે પરંતુ મામલો ઉલટો જ પડી ગયો. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાની બોર્ડે સ્ટેડિયમને સુધારવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ તેને આખરે 85 ટકા નુકસાન વેઠવું પડ્યું છે.
PCB એ ઘરઆંગણે મેચ કરાવવા માટે લગભગ 851 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેમ છતાં તેને માત્ર 52 કરોડ રૂપિયાની જ કમાણી થઈ, જેનાથી તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યું. તેની અસર ખેલાડીઓ પર જ પડી છે. પીસીબીએ આ નુકસાનની ચૂકવણી માટે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી માં ભારે ઘટાડો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં 58 મિલિયન ડોલર (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યા હતાં.
પાકિસ્તાની ટીમે પણ કર્યો કંગાળ દેખાવ
આ પીસીબીના કુલ બજેટનું 50 ટકા વધુ છે. 40 મિલિયન ડોલર (લગભગ 347 કરોડ ભારતીય રૂપિયા) ટુર્નામેન્ટની તૈયારીમાં ખર્ચ કર્યા. આટલો કુલ ખર્ચ કર્યા બાદ પીસીબીને લગભગ 52 કરોડ રૂપિયાનો જ ફાયદો થયો છે. દરમિયાન તેને ટુર્નામેન્ટમાં લગભગ 85% નુકસાન વેઠવું પડ્યું.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના 5 દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.