
- Grok વિવાદ પર Xનો સરકાર સામે કેસ: ગેરકાયદે સેન્સરશિપનો આરોપ”
એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની X કોર્પે કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં કંપનીએ ભારત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. Xનું કહેવું છે કે સરકાર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કાયદાની કલમ 79(3)(બી) અને સહયોગ પોર્ટલનો ઉપયોગ ગેરકાયદે અને અનિયમિત સેન્સરશિપ માટે કરી રહી છે. આનાથી કાયદાકીય સુરક્ષાના ઉપાયો ખતમ થઈ ગયા છે. કંપનીએ માંગ કરી છે કે કલમ 79(3)(બી) હેઠળ જારી થયેલા તમામ કન્ટેન્ટ હટાવવાના આદેશોને રદ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 27 માર્ચ, 2025ના રોજ થશે.
સરકારની ખોટી વ્યાખ્યા?
X કોર્પનો દાવો છે કે સરકાર કલમ 79(3)(બી)ની ખોટી રીતે વ્યાખ્યા કરી રહી છે. આ કલમ હેઠળ સરકાર કોઈપણ વિભાગને સહયોગ પોર્ટલ દ્વારા સીધું ઓનલાઈન કન્ટેન્ટ હટાવવાનો આદેશ આપે છે, જેનું સંચાલન કેન્દ્રીય ગૃહ મંત્રાલય કરે છે. પરંતુ Xનું કહેવું છે કે આ માટે કલમ 69એ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન થતું નથી. સુપ્રીમ કોર્ટે “શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સંઘ” (2015) કેસમાં કલમ 69એ ને ઓનલાઈન કન્ટેન્ટ હટાવવાનું એકમાત્ર કાયદેસર માળખું માન્યું છે. Xનો આરોપ છે કે સરકાર આ નિયમોને નજર અંદાજ કરી રહી છે.
ગ્રોકનો વિવાદ અને સરકારનો રોષ
આ અરજી ત્યારે આવી છે જ્યારે કેન્દ્ર સરકારે Xને તેના AI ચેટબોટ ગ્રોકની પ્રતિક્રિયાઓ સ્પષ્ટ કરવા કહ્યું છે. કહેવાય છે કે સરકાર ગ્રોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણીઓથી નારાજ છે. આ ટિપ્પણીઓ લોકોના સવાલોના જવાબમાં આવી હતી. આનાથી X અને સરકાર વચ્ચેનો તણાવ વધ્યો છે.
સરકારનું જવાબ અને કોર્ટનો નિર્ણય
પહેલી સુનાવણીમાં સરકારે કહ્યું કે સહયોગ પોર્ટલમાં ભાગ ન લેવા બદલ X સામે કોઈ પગલાં લેવાયા નથી. કોર્ટે Xને સ્વતંત્રતા આપી કે જો સરકાર આ મામલે કોઈ કાર્યવાહી કરે તો તે કોર્ટમાં આવી શકે છે. આ ઉપરાંત, Xએ દાવો કર્યો કે સરકાર કલમ 79(3)(બી)નો ઉપયોગ કન્ટેન્ટ હટાવવાના સાધન તરીકે કરે છે, જ્યારે કલમ 69એની પ્રક્રિયાઓ—જેમ કે લેખિત કારણો આપવા, સુનાવણીની તક આપવી અને કાનૂની પડકારની મંજૂરી—ની અવગણના કરવામાં આવે છે.
સહયોગ પોર્ટલનો વિવાદ
Xનો મોટો વાંધો સહયોગ પોર્ટલને લઈને છે. આ પોર્ટલ ગૃહ મંત્રાલય દ્વારા ચલાવાય છે અને રાજ્ય પોલીસ તેમજ સરકારી વિભાગોને સીધા કન્ટેન્ટ હટાવવાના આદેશ આપવાની સત્તા આપે છે. Xનું કહેવું છે કે આ પોર્ટલ એક સમાંતર સેન્સરશિપ માળખું બનાવે છે, જે હજારો અધિકારીઓને પારદર્શિતા કે દેખરેખ વિના આદેશ આપવાની છૂટ આપે છે. આમાં કલમ 69એની પ્રક્રિયાઓનું પાલન થતું નથી.
Xની માંગણીઓ શું છે?
- X કોર્પે કોર્ટમાં તાકીદે ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરી છે.
- કલમ 79(3)(બી) સરકારને કન્ટેન્ટ હટાવવાનો અધિકાર ન આપે તેવું જાહેર કરવું.
- આ કલમ હેઠળ જારી થયેલા તમામ આદેશો રદ કરવા.
- સહયોગ પોર્ટલથી આદેશો પર અંતિમ નિર્ણય સુધી પ્રતિબંધ મૂકવો.
- કલમ 69એ ને ઓનલાઈન કન્ટેન્ટ હટાવવાનું એકમાત્ર કાયદેસર માધ્યમ જાહેર કરવું.
આ પહેલો કેસ નથી
આ પહેલી વખત નથી કે Xએ સરકાર સામે કેસ કર્યો હોય. 2022માં પણ કંપનીએ કલમ 69એ હેઠળના કન્ટેન્ટ હટાવવાના આદેશોને પડકાર્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શિતાનો અભાવ છે અને તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.
શું થશે આગળ?
Xનો આરોપ છે કે સરકાર કલમ 79(3)(બી) ને એક અસ્પષ્ટ અને ખુલ્લી કલમ તરીકે વાપરી રહી છે, જેમાં કોઈ પ્રક્રિયા નથી, જ્યારે કલમ 69એ સુરક્ષા ઉપાયો સાથે ચોક્કસ રીતે બનાવાયેલી છે. આ મામલો હવે કોર્ટમાં છે, અને 27 માર્ચની સુનાવણીમાં ઘણું સ્પષ્ટ થશે. પણ સવાલ એ છે કે શું સરકાર આ સેન્સરશિપનો જવાબ આપશે, કે આ ફક્ત એક નવો વિવાદ બની રહેશે?
આ પણ વાંચો- “દંડની વસૂલાત કે ટ્રાફિકનું સમાધાન?” : અમદાવાદમાં વાહન ચાલકોને 20 દિવસમાં ₹13.21 કરોડનો દંડ