
- રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ જવાની હવામાન વિભાગે કરી આગાહી; લૂ-હિટવેવની ચેતવણી
દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના 13 જિલ્લાઓમાં ‘લૂ’ ફૂંકાશે. જ્યારે આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રવિવારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. તો આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 9, 2025
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 3-4 દિવસ દરમિયાન 40-42 ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે. જ્યારે લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (10 માર્ચ, 2025)ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 11 માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણે ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવની આગાહી છે.