
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ધરણા પણ શરૂ કરી દીધા છે. હવે આ મુદ્દા બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જણાવી દઈએ કે, જિજ્ઞેશ મેવાણી દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતા તરીકે પણ ઓળખાય છે.
જિજ્ઞેશ મેવાણીએ બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવા બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો આરોપીઓને 24 કલાકમાં પકડવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી કોમેન્ટના કારણે સમગ્ર દેશ અને ગુજરાતના દલિતોમાં આક્રોશ છે, તે વાતના પડઘા હજું સમ્યા નથી તેવામાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ચાલીના નાકે ઉભેલા બાબા આંબેડકર સાહેબના સ્ટેચ્યુને તોડવાની, તે પ્રતિમાને ખંડિત કરવાની, બાબા સાહેબના ચશ્મા અને નાકને નુકશાન કરવાની કોશિશ કરવામાં આવી છે.
જિજ્ઞેશ મેવાણી વધુમાં કહે છે કે, આ બધું જ જાણીબૂઝીને થયું છે. ગુજરાતના કેટલાક જાતિવાદી તત્વોને ભારતીય જનતા પાર્ટીની સરકાર પોષણ આપી રહી હોય, આ સંવિધાનની વિરોધી સરકારની માનસિકતાના કારણે આવા તત્વોને બળ મળી રહ્યું છે કે દલિત સમાજની અંદર એક પ્રકારનું આક્રોશ ફેલાય તેવા કૃત્યો કરવા, ગુજરાતની અને દેશની શાંતિ અને સલામતીને ડહોળવાનો પ્રયત્ન છે. દલિતોને જાણીજોઈને તેમની મશ્કરી કરતાં હોય તેવી રીતે તેમને ઉશ્કેરવાનો પ્રયત્ન છે. તેથી હું માંગણી કરૂં છું કે, ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાને 24 કલાકમાં એફઆઈઆર કરીને ધરપકડ કરવામાં નહીં તો ઉગ્ર આંદોલન કરવા માટે મારે મજબૂર બનવું પડશે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કર્યા પછી મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.