
Chhota Udepur: તાજેતરમાં છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભૂંડ મારિયા ગામમાં પ્રસૂતાને ઝોળીમાં નાખી હોસ્પિટલ પહોંચાડવા માટે 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારે આ ભૂંડ મારિયા ગામની ‘ધ ગુજરાત રિપોર્ટ’ના રિપોર્ટર ઉમેશ રોહિતે મુલાકાત લીધી છે. ત્યાની સાચી સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો છે. આ ગામમાં શિક્ષણ, રોડ-રસ્તાઓ અને આરોગ્યની કથળેલી સ્થિતિ છે. અહીં યુવાનો કહે છે અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે સરખાણી કરી શકતા નથી. અહીં પૂરતી સુવિધાઓ નથી. અમારી સાથે આવો અન્યાય કેમ?. તેવા સવાલો ભાજપ સરકારને કરી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે વધુ ચર્ચા અને ગામની સ્થિતિ જુઓ આ વીડિયોમાં.
શું હતી સમગ્ર ઘટના
13 જુલાઈ, 2025ના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રામજનોએ ઝોળીમાં ઉંચકીને 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો હતો. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
સ્વજનો કાદવ-કીચડથી ભરેલા કાચા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરવાનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી. ભૂંડ મારિયા ગામમાં પાકા રસ્તાઓનો અભાવ હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી. જેથી પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં, પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને 4 કિલોમીટર દૂર આવેલા કોટબી ખાતે બોલાવી પડી હતી.
ગ્રામજનોએ કાપડની ઝોળી બનાવી, મહિલાને તેમાં સુવડાવી અને કાચા, કીચડવાળા રસ્તાઓ, કોતરોના પાણી અને ઝરણાં પાર કરીને આખરે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. ત્યાંથી મહિલાને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
વારંવારના કિસ્સાઓ છતાં વહીવટી નિષ્ક્રિયતા
છોટાઉદેપુરમાં આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ: ફરી એક પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને 4 કિમી દૂર 108 સુધી લઈ જવી પડી#health #pregnant #chhotaudepur #108ambulance #GUJARAT #THEGUJARATREPORT #ધગુજરાતરિપોર્ટ pic.twitter.com/gS38BwRN1I
— The Gujarat Report (@TGujarat_Report) July 13, 2025
આ પ્રકારની ઘટના છોટાઉદેપુર જિલ્લામાં નવી નથી. આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓના અભાવે પ્રસૂતા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. જોકે, વહીવટી તંત્ર આવા કિસ્સાઓમાં નક્કર પગલાં લેવાને બદલે માત્ર લિપાપોતી કરીને બાબતને ટાળી દે છે. આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ લોકો માટે જીવના જોખમ સમાન બની રહ્યો છે, ખાસ કરીને કટોકટીના સમયે તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી.
ગુજરાત હાઈકોર્ટમાં સૂઓમોટો પીટીશન છતાં તંત્ર અગંભીર
અગાઉ, 1 ઓક્ટોબર 2024ના રોજ, છોટાઉદેપુરના તુરખેડા ગામમાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રસ્તામાં જ પ્રસૂતિ થઈ, અને ડરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં ગુજરાત હાઈકોર્ટે સૂઓમોટો પીટીશન દાખલ કરી હતી. જોકે, આટલા ગંભીર પગલાં છતાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
આદિવાસી વિસ્તારોની દુર્દશા
છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓ, પરિવહન અને આરોગ્ય સેવાઓનો અભાવ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવા કિસ્સાઓ સરકાર અને વહીવટી તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરે છે. ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારોમાં પાકા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે અને આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓ ટળી શકે.આ ઘટના ફરી એકવાર રાજ્યના આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. સવાલ એ છે કે આવા કિસ્સાઓ ક્યાં સુધી ચાલુ રહેશે અને સરકાર આ બાબતે ક્યારે નક્કર પગલાં લેશે?
આ પણ વાંચોઃ
chhotaudepur: જન્મ લેતા બાળકો અને માતાઓનુ જીવન જોખમી, ફરી એક વખત મહિલાને ઝોળીમાં લઈ જવા પડ્યા
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી