
Gujarat Weather News: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે 30 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે આજથી (24 ઓગસ્ટ) રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. આજે જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આશંકાને લીધે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.
17 જિલ્લામાં યલો એલર્ટ
આ ઉપરાંત, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી (UT) સહિત 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર થયું છે. ખાસ કરીને અમદાવાદમાં 25 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે.
માછીમારો માટે સાવચેતી
ભારે વરસાદ અને તોફાની પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયામાં ન જવાની સલાહ આપી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટળે.
અંબાજીમાં વરસાદી માહોલ
બનાસકાંઠાના અંબાજીમાં વરસાદે વાતાવરણ ઠંડું બનાવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે, જ્યારે દાંતા તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ મેઘરાજા જોરદાર વરસ્યા, જેના કારણે નદી-નાળાઓ ધસમસતા થયા. અંબાજી, દાંતા, પેથાપુર, રતનપુર સહિતના ગામોમાં વરસાદે અસર દર્શાવી છે.
ગુજરાતમાં વરસાદનો દોર આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે, જેને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી