
Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે. આ ઘટના સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના મામલાને લઈને થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે, અને હત્યાના ગુના હેઠળ તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયામાં બ્લોક કરવાના ઝઘડામાં કોલેજની યુવતીનું યુવકે ગળું કાપ્યું
ભુજના એરપોર્ટ રિંગ રોડ નજીક આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર આ ઘટના બની હતી જેમાં મૃતક યુવતી સાક્ષી ખાનિયા ભાનુશાળી હોસ્ટેલમાં રહેતી હતી અને બીસીએનો અભ્યાસ કરતી હતી. તે હોસ્ટેલ જવા નીકળી હતી, ત્યારે ગાંધીધામના ભારતનગરનો રહેવાસી 22 વર્ષીય મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર જયેશ ઠાકોર સાથે બાઇક પર આવ્યો. મોહિતે સાક્ષીને પૂછ્યું કે, “તે મને સોશિયલ મીડિયા પર શા માટે બ્લોક કરી?” સાક્ષીએ જવાબ આપ્યો કે, “હું તારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતી.” આ વાતથી ગુસ્સે થયેલા મોહિતે પોતાની પાસેની છરી વડે સાક્ષીના ગળા પર હુમલો કર્યો.
મિત્ર પર પણ હુમલો
સાક્ષીને બચાવવા માટે તેનો મિત્ર વચ્ચે પડ્યો, પરંતુ મોહિતે તેની પીઠ પર પણ છરી મારી. બંનેને લોહીલુહાણ હાલતમાં છોડીને મોહિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. રાહદારીએ કોલેજ સંચાલકોને જાણ કરતાં ઘાયલોને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે, સારવાર દરમિયાન સાક્ષીનું મૃત્યુ થયું.
પોલીસની કાર્યવાહી
ભુજ એ ડિવિઝન પોલીસે મોડી રાત્રે મોહિતને ઝડપી લીધો અને હત્યાના ગુના હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી. ડીવાયએસપી આર.ડી. જાડેજાએ જણાવ્યું કે, સાક્ષી અને મોહિત વચ્ચે પ્રેમસંબંધ હતો. સાક્ષીએ મોહિતનો ફોન નંબર બ્લોક કર્યો હતો, જેના કારણે આ ઘટના બની. પોલીસે હત્યાની કલમ ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે.
સમગ્ર કચ્છમાં ચકચાર
આ ઘટનાએ ભાનુશાળી સમાજ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી છે. ભાનુશાળી સમાજના પ્રમુખ શંભુલાલ નંદાએ આ ઘટનાને દુઃખદ ગણાવી, સખત નિંદા કરી અને તંત્રને આવી ઘટનાઓ રોકવા માટે ગંભીર પગલાં લેવાની માગ કરી. તેમણે જણાવ્યું કે, યુવાઓમાં સહનશીલતાનો અભાવ જોવા મળે છે, જેના માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.
શિક્ષણજગતમાં વધતી ચિંતા
છેલ્લા નવ દિવસમાં કચ્છમાં શિક્ષણજગત સાથે જોડાયેલી અનેક ચિંતાજનક ઘટનાઓ બની છે. 21 ઓગસ્ટે ભુજની વિડી હાઈસ્કૂલ બહાર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી થઈ, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો. તે જ દિવસે ગાંધીધામમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝઘડો થયો. આ ઉપરાંત, 26 ઓગસ્ટે આદિપુરની તોલાની કોલેજના પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. આ ઘટનાઓએ શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર અને સમાજ દ્વારા સખત પગલાંની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!