
Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના 10 હજારથી વધુ વર્ગ-3 કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના રેવેન્યુ ક્લાર્ક, મહેસૂલી તલાટી અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓએ એક દિવસની માસ સીએલ પર જઈ વિરોધ નોંધાવ્યો છે. કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર તેમની માંગણીઓનો હકારાત્મક ઉકેલ નહીં લાવે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે.
માસ સીએલથી અનેક સરકારી કામગીરી પ્રભાવિત
મહેસૂલી કર્મચારીઓની સામૂહિક રજા અને વિરોધને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારી કચેરીઓનું કામકાજ ખોરવાયું હતું. અમદાવાદમાં 450થી વધુ, વડોદરા જિલ્લામાં 450થી વધુ, રાજકોટમાં 450થી વધુ અને સુરતમાં 500થી વધુ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર જોડાયા હોવાનું જણાવાયું છે. અન્ય જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જનસેવા કેન્દ્રો અને મહેસૂલ કચેરીઓમાં પોતાના કામ માટે પહોંચેલા નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવક, જાતિ અને નોન-ક્રિમિલિયર પ્રમાણપત્રો ઉપરાંત જમીનના 7/12 અને 8-અના ઉતારા, હકપત્રકમાં નામ દાખલ અથવા કમી કરવાની પ્રક્રિયા, બિનખેતી પરવાનગી, જમીન સર્વે, સીમાડા માપણી અને સ્થળ તપાસ જેવી કામગીરી પર પણ અસર પડી હતી. ઇ-ધરા કેન્દ્રો તથા દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત કામગીરી પણ પ્રભાવિત થવાની સ્થિતિ ઊભી થઈ હતી.
7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી
કર્મચારી મંડળનું કહેવું છે કે તેમની માંગણીઓ લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. અગાઉ વિભાગ સાથે બેઠકમાં એક મહિનામાં હકારાત્મક નિર્ણય લાવવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં કોઈ મહત્વપૂર્ણ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. તેથી હવે 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
બીજી તરફ રાજ્ય સરકારે પણ કર્મચારીઓના આંદોલન સામે કડક વલણ અપનાવ્યું છે. સરકારના પરિપત્રમાં અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. માસ સીએલ પર રહેનારા કર્મચારીઓ સામે સર્વિસ બ્રેક સહિતની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. કર્મચારીઓએ જોકે વર્ક-ટુ-રૂલ અને જાહેર રજાઓમાં કામ નહીં કરવાની જાહેરાત સાથે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે.
પહેલી માંગ: નાયબ મામલતદાર અને મામલતદારની સીધી ભરતી બંધ થાય
મહેસૂલી કર્મચારીઓની 14 મુખ્ય માંગણીઓમાં પ્રથમ માંગ નાયબ મામલતદાર અને મામલતદાર કેડરમાં થતી સીધી ભરતી બંધ કરવાની છે. કર્મચારીઓનું કહેવું છે કે આ કેડરની 100 ટકા જગ્યાઓ પ્રમોશનના માધ્યમથી ભરવામાં આવે.
બીજી માંગ મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટમાં સુધારાની છે. અન્ય વિભાગોની વધારાની કામગીરી મહેસૂલી તલાટીઓ પાસેથી લેવામાં આવે છે તે દૂર કરીને તેમને તેમના મૂળ વિભાગની કામગીરી સોંપવાની માંગ છે.
બદલી અને પ્રમોશનને લઈને પણ મુખ્ય માંગણીઓ
કર્મચારીઓએ વર્ષ 2015ના કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી મળ્યા બાદ અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હોય તો તેમને તેમના વતન અથવા મૂળ જિલ્લામાં પરત લાવવાની માંગ કરી છે.
વર્ષ 2010ની બેચના નાયબ મામલતદારોને તાત્કાલિક મામલતદાર તરીકે પ્રમોશન આપવા અને સિનિયોરિટી યાદીનું પુનર્ગઠન કરવાની માંગ છે. સાથે વર્ષ 2012ના નાયબ મામલતદારોની સેવા અને સિનિયોરિટી યાદીમાં સુધારો કરીને નવી યાદી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
પાયાની સુવિધા, પગાર અને ફિક્સ પે અંગે પ્રશ્નો
મહેસૂલી તલાટીઓને જરૂરી ઓનલાઇન કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પૂરતી સુવિધા ન મળે ત્યાં સુધી તેમના પર વધારાના ચાર્જની જવાબદારી ન નાખવાની માંગ છે.
પગાર વિસંગતતા દૂર કરવા તેમજ લેન્ડ રેકોર્ડ્સ અને મહેસૂલ વિભાગના વિવિધ સંવર્ગોના કર્મચારીઓના પગાર ધોરણ અને ગ્રેડ પેમાં સુધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે. ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓની ફિક્સ પે સેવા પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ માટે સળંગ સેવામાં ગણવામાં આવે તેવી માંગ છે.
ખાલી જગ્યાઓ ભરવા અને ખાતાકીય પરીક્ષામાં છૂટછાટની માંગ
કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં વર્ગ-3ની વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ ખાલી જગ્યાઓને કારણે વર્તમાન સ્ટાફ પર કામનું ભારણ વધ્યું છે.
ખાતાકીય પરીક્ષા પાસ કરવા માટેની તકો અને વયમર્યાદાના નિયમોમાં કર્મચારીહિતમાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવી છે. આંતરજિલ્લા બદલીમાં આવતી વહીવટી મુશ્કેલીઓ દૂર કરીને જિલ્લા ફેરબદલીના નિયમો સરળ બનાવવાની પણ માંગ છે.
રજાના દિવસે કામ અને વહીવટી કાર્યવાહી સામે વાંધો
કર્મચારીઓએ જાહેર રજા અથવા રવિવારે ફરજિયાત કામગીરી કરાવવાની પ્રથા બંધ કરવાની અથવા તેના બદલામાં વળતર રજા આપવાની માંગ કરી છે. સાથે નાની બાબતોને લઈને કર્મચારીઓ સામે કરવામાં આવતી બિનજરૂરી ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક પગલાં બંધ કરવાની પણ માંગ છે.
14મી અને અંતિમ માંગ અગાઉ સરકાર અને કર્મચારી મંડળ વચ્ચે થયેલી બેઠકોમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવેલા મુદ્દાઓનો તાત્કાલિક અમલ કરવાની છે. આ માટે જરૂરી સરકારી ઠરાવ એટલે કે GR બહાર પાડીને તેનો અમલ કરવામાં આવે તેવી માગણી છે.
સરકાર અને કર્મચારીઓ વચ્ચે હવે આગામી તબક્કાની કસોટી
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓનું કહેવું છે કે 14 માંગણીઓ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે અને છેલ્લા બે વર્ષથી વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગયા મહિને વિભાગ સાથે બેઠક પણ થઈ હતી, જેમાં એક મહિનામાં હકારાત્મક ઉકેલ લાવવાનું આશ્વાસન મળ્યું હોવાનું કર્મચારીઓનું કહેવું છે.
રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ સહિતના જિલ્લા સંગઠનોએ રાજ્યના કાર્યક્રમને સમર્થન આપ્યું છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે સરકાર સાથે ચર્ચાથી ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે.
હવે જો સરકાર અને મહેસૂલી કર્મચારીઓ વચ્ચે સમાધાન નહીં થાય અને 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ થાય તો આવકના દાખલા, જમીન રેકોર્ડ, પ્રમાણપત્રો, માપણી અને અન્ય મહેસૂલી સેવાઓ માટે કચેરીઓમાં આવતા હજારો નાગરિકોને વધુ લાંબી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.








