SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • Gujarat
  • November 20, 2026
  • 0 Comments

SD Pay–Apna Pay Scam: ગુજરાતમાં SD Pay અને Apna Pay મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ₹1,211 કરોડની ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ કથિત કૌભાંડમાં 6.5 લાખથી વધુ બેંક ખાતાં પ્રભાવિત થયાં છે અને મોટાભાગના પીડિતો ગુજરાતના છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ, વિધાનસભા પક્ષના નેતા અને વરિષ્ઠ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે સમગ્ર મામલાની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની સાથે પીડિતોને નાણાં પરત અપાવવા વિશેષ ફંડ બનાવવાની માંગ કરી છે.

ત્રણ વર્ષમાં 6.5 લાખથી વધુ બેંક ખાતાં પ્રભાવિત થયાનો દાવો

કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2004માં ઉત્તર ગુજરાતના ધવલ પટેલ અને અન્ય વ્યક્તિઓ દ્વારા SD Pay અથવા Apna Pay નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ એપના માધ્યમથી ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં લોકોને નાણાં રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે પોલીસના રેકોર્ડને ટાંકીને જણાવ્યું કે આ એપ્લિકેશન 15 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. સપ્ટેમ્બર 2026માં અમરેલી સાયબર ક્રાઇમ વિભાગમાં એક પીડિતે FIR નોંધાવી ત્યાં સુધીમાં 6,52,831 બેંક ખાતાંમાંથી કુલ ₹1,211 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસના મતે, આ રકમમાંથી 80થી 85 ટકા ગુજરાતના લોકોની છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો છેતરપિંડીનો આંકડો ₹3,000 કરોડથી પણ વધી શકે છે.

પક્ષના જણાવ્યા પ્રમાણે, 2024 અને 2025 દરમિયાન ઉત્તર ગુજરાતમાં આ પ્રવૃત્તિ ચાલી હતી. ત્યારબાદ 2025માં અમદાવાદમાં સેમિનાર, ઓનલાઇન કેમ્પેઇન અને માર્કેટિંગના માધ્યમથી લોકોને જોડવામાં આવ્યા હતા. લોકોને નાણાં જમા કરાવવાના બદલામાં અનેકગણા વળતરની લાલચ આપવામાં આવતી હતી.

ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા પરિવારો મુશ્કેલીમાં

કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં બે પીડિત પરિવારોના ઉદાહરણો આપીને કથિત છેતરપિંડીની ગંભીરતા સમજાવી હતી.

વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતા એક યુવકની માતા શિક્ષિકા છે. માતા અને પુત્રએ પોતાનો એક બેડરૂમનો ફ્લેટ ₹9.80 લાખમાં વેચ્યો હતો. ફ્લેટ વેચીને મળેલી સમગ્ર રકમ તેમણે આ એપમાં રોકી હતી, પરંતુ તેમની રકમ ડૂબી ગઈ હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

બીજા કિસ્સામાં સુરેન્દ્રનગરમાં નોકરી કરતા એક વ્યક્તિને પર્સનલ લોન લેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની પત્નીના નામે પણ ₹20 લાખની લોન લેવામાં આવી હતી. પત્નીનાં ઘરેણાં પણ ગીરવે મૂકવામાં આવ્યાં હતાં. આ રીતે પરિવારે કુલ ₹60 લાખ એપમાં જમા કરાવ્યા હતા, પરંતુ સમગ્ર રકમ ગુમાવી હોવાનું જણાવાયું હતું.

કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં આ મામલે કુલ 18 FIR નોંધાઈ છે. તેમાંથી 13 ગુજરાતમાં અને પાંચ અન્ય રાજ્યોમાં નોંધાઈ છે. રેફરન્સ અને ઓળખાણના માધ્યમથી અન્ય રાજ્યોના લોકો પણ આ કથિત છેતરપિંડીમાં ફસાયા હતા.

સરકાર અને તપાસ એજન્સીઓની ભૂમિકા પર કોંગ્રેસના સવાલો

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે SD Pay અને Apna Pay ચલાવનારાઓ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા હતા અને તેમની એપ સરકાર સાથે જોડાયેલી હોય એવો દેખાવ કરતા હતા. પક્ષે સવાલ કર્યો કે ત્રણ વર્ષ સુધી આ પ્રવૃત્તિ ચાલતી રહી ત્યારે ગુજરાત પોલીસ, સાયબર ક્રાઇમ વિભાગ, CID, DGP, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શું કરતા હતા?

કોંગ્રેસે કેન્દ્ર સરકારની CBI, ED, SFIO અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. પક્ષે પૂછ્યું કે એપને કાયદેસર રીતે લાઇસન્સ મળ્યું હતું કે નહીં, જો મળ્યું હોય તો તેની ભલામણ કોણે કરી હતી અને RBI તથા સંબંધિત નિયમનકારી સંસ્થાઓએ સમયસર તપાસ કેમ ન કરી?

કોંગ્રેસે એવો પણ સવાલ કર્યો કે છેતરપિંડીથી એકત્રિત થયેલા ₹1,211 કરોડ ક્યાં ગયા? શું આ નાણાંથી મિલકતો, વાહનો, સોનું, ચાંદી કે શેરબજારમાં રોકાણ કરવામાં આવ્યું છે? બેંકિંગ વ્યવહારો દ્વારા નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં ગયા હોવાથી તેમની તપાસ કરીને રકમ શોધી શકાય તેવી કોંગ્રેસની દલીલ છે.

CBI અને ED તપાસની સાથે વિશેષ ફંડની માંગ

કોંગ્રેસે આ મામલો એકથી વધુ રાજ્યો સાથે જોડાયેલો હોવાથી તપાસ અમરેલી કે સુરેન્દ્રનગરના સાયબર ક્રાઇમ વિભાગ પૂરતી મર્યાદિત ન રાખવાની માંગ કરી છે. પક્ષે સમગ્ર કેસ CBIને સોંપવાની અને ED દ્વારા મની લોન્ડરિંગના સંભવિત પાસાંની તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

આ ઉપરાંત પીડિતોની વિગતો અને નાણાકીય નુકસાનની માહિતી એકત્રિત કરવા માટે ઓનલાઇન પોર્ટલ બનાવવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સવાલ કર્યો કે 6.5 લાખથી વધુ પ્રભાવિત ખાતાં ધરાવતા લોકો પાસેથી અત્યાર સુધી દાવા અને નુકસાનની વિગતો એકત્રિત કરવામાં આવી છે કે નહીં.

પક્ષે કેન્દ્ર અને ગુજરાત સરકારને સંયુક્ત રીતે વિશેષ ફંડ બનાવવાનું સૂચન કર્યું છે. આ પ્રસ્તાવ મુજબ રાજ્ય સરકાર અડધી અને કેન્દ્ર સરકાર બાકીની અડધી રકમ આપે, જેથી પીડિતોને તેમના દાવા પ્રમાણે નાણાં પરત મળી શકે. ત્યારબાદ સરકાર આરોપીઓ પાસેથી નાણાં વસૂલ કરી શકે છે.

પીડિતો માટે ઓનલાઇન અરજી અને રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત

ગુજરાત કોંગ્રેસે પીડિતોને ન્યાય અપાવવા માટે ઓનલાઇન અરજી તૈયાર કરવાની જાહેરાત કરી છે. વરિષ્ઠ નેત્રી અને વકીલ અમીબહેન પટેલ તથા ભાભીબહેન યાજ્ઞિકને અરજી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું હતું. અરજી જાહેર થયા બાદ પીડિતો તેમાં સહી કરીને ગુમાવેલી રકમની વિગતો ભરી શકશે.

કોંગ્રેસે જણાવ્યું કે આ અરજી ઓનલાઇન અપલોડ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવશે અને તેને રાજ્યવ્યાપી અભિયાનનું સ્વરૂપ આપવામાં આવશે. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે.

પક્ષના નેતાઓએ એમ પણ કહ્યું કે છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારોને રાજીવ ગાંધી ભવનમાં બોલાવી તેમની સાથે વાતચીત કરવામાં આવશે. પીડિતોને ન્યાય મળે અને તેમની મહેનતની કમાણી પરત અપાય તે માટે કોંગ્રેસ લડત ચાલુ રાખશે.

હાલ આ મામલે કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો અને તપાસની માંગ કરવામાં આવી છે. ₹1,211 કરોડની કથિત છેતરપિંડી, પ્રભાવિત બેંક ખાતાંની સંખ્યા, નાણાંના વ્યવહારો અને જવાબદાર લોકો અંગેની હકીકત સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ગુજરાત અને કેન્દ્ર સરકાર આ મુદ્દે શું પગલાં લે છે તેના પર હવે પીડિત પરિવારોની નજર રહેશે.

આ પણ વાંચો:

Related Posts

Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ
  • November 20, 2026

Yuvrajsinh Jadeja AMC Recruitment: ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં લાગવગના આધારે ભરતી થતી હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ભરતી પ્રક્રિયા સામે ગંભીર…

Continue reading
Gujarat Groundwater Crisis: અટલ ભૂજળ યોજના પર રૂ. 3,575 કરોડનો ખર્ચ છતાં ગુજરાતમાં જળસંકટ ઘેરાયું, 6 જિલ્લાઓમાં ભૂગર્ભજળની સ્થિતિ ગંભીર
  • November 20, 2026

Gujarat Groundwater Crisis: ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તર ઊંચા લાવવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણીનાં તળ સતત ઊંડાં જઈ રહ્યાં છે. રાજ્યમાં સુજલામ-સુફલામ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ

  • November 20, 2026
  • 2 views
Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ

SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • November 20, 2026
  • 3 views
SD Pay–Apna Pay Scam: ફ્લેટ વેચીને અને લોન લઈને રોકાણ કરનારા લોકોના પૈસા ડૂબ્યા, SD Pay કૌભાંડમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ

Yogi Challenge Akhilesh: ગોરખપુરમાં યોગીનો અખિલેશને પડકાર, કહ્યું- અયોધ્યાથી ચૂંટણી લડો, હું પણ સામે આવીશ

  • November 20, 2026
  • 3 views
Yogi Challenge Akhilesh: ગોરખપુરમાં યોગીનો અખિલેશને પડકાર, કહ્યું- અયોધ્યાથી ચૂંટણી લડો, હું પણ સામે આવીશ

Gujarat Groundwater Crisis: અટલ ભૂજળ યોજના પર રૂ. 3,575 કરોડનો ખર્ચ છતાં ગુજરાતમાં જળસંકટ ઘેરાયું, 6 જિલ્લાઓમાં ભૂગર્ભજળની સ્થિતિ ગંભીર

  • November 20, 2026
  • 9 views
Gujarat Groundwater Crisis: અટલ ભૂજળ યોજના પર રૂ. 3,575 કરોડનો ખર્ચ છતાં ગુજરાતમાં જળસંકટ ઘેરાયું, 6 જિલ્લાઓમાં ભૂગર્ભજળની સ્થિતિ ગંભીર

Gandhinagar Raheja Land Case: ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન

  • November 20, 2026
  • 5 views
Gandhinagar Raheja Land Case: ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન

Amritpal Singh Parole: અમૃતપાલની 3 કલાકની ગામમાં વાપસીથી ‘વારિસ પંજાબ દે’ની તાકાતની કસોટી, AAP સરકાર સામે પણ પડકાર

  • November 19, 2026
  • 5 views
Amritpal Singh Parole: અમૃતપાલની 3 કલાકની ગામમાં વાપસીથી ‘વારિસ પંજાબ દે’ની તાકાતની કસોટી, AAP સરકાર સામે પણ પડકાર