
Philadelphia Jet Crash: અમેરિકામાં ત્રણ દિવસમાં બીજી વિમાન દુર્ઘટના ઘટી છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક રહેણાંક વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટ વિમાન ક્રેશ થયું છે. આ એમ્બ્યુલન્સ વિમાન દર્દીઓને લઈ જઈ રહ્યું હતું. જેમાં 1 નાના બાળક સહિત 6 લોકો સવાર હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFP અનુસાર તમામ 6 લોકોના મોતની આશંકા છે, જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ વિમાન દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ અમે રાહત અને બચાવ કાર્યમાં સંપૂર્ણપણે જોડાયેલા છીએ.
1,600 ફૂટ ઊંચાઈએથી વિમાન ક્રેશ થતાં લાગી આગ
અહેવાલો અનુસાર, આ એમ્બ્યુલન્સ વિમાન એક શોપિંગ મોલ પાસે આગના ગોળાની જેમ ક્રેશ થયું હતું. આ એક રહેણાંક વિસ્તાર છે, જેના કારણે કેટલાંક ઘરો આગની લપેટમાં આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર નાનું એમ્બ્યુલન્સ વિમાને શુક્રવારે સાંજે 6:06 વાગ્યે(સ્થાનિક સમય) એરપોર્ટથી ઉડાન ભરી હતી અને 1,600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી લગભગ 30 સેકન્ડ પછી રડારથી ગાયબ થઈ ગયું હતું. મેડિકલ ટ્રાન્સપોર્ટ કંપની જેટ રેસ્ક્યુ એર એમ્બ્યુલન્સે નિવેદન આપ્યું છે. કોઈ બચ્યું કે નથી બચ્યું તેની પુષ્ટી કરી શકાય નથી. હાલ બચાવ કામગરી ચાલું છે.
ઘટનાસ્થળ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી લગભગ 4.8 કિલોમીટર (1.5 માઇલ) ઉત્તરપૂર્વમાં આવેલું છે, જે મુખ્યત્વે કોમર્શિયલ જેટ અને ચાર્ટર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપનીએ કહ્યું કે તેમની ટીમ દર્દીના પરિવાર, ફ્લાઇટ ક્રૂ અને જમીન પર ઘાયલ થયેલા લોકોનું રેસ્કયૂ કરી સારવાર અર્થે ખસેડી રહી છે.
3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં 67 લોકોના મોત થયા હતા
અમેરિકામાં 3 દિવસમાં આ બીજો ભયાનક વિમાન અકસ્માત છે. 3 દિવસ પહેલા, બુધવારે રાત્રે, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક રોનાલ્ડ રીગન એરપોર્ટથી થોડે દૂર 64 મુસાફરોને લઈ જતું એક વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. ટકરાતાની સાથે જ બંનેમાં વિસ્ફોટ થયો અને નદીમાં પડી ગયા. આ રીતે, બંને વિમાનમાં સવાર કુલ 67 લોકોના મોત થયા હતા. આ વિમાન દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.