
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા પછી 76 લાખ મતદાન થયું; બોમ્બે હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટિસ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે દાખલ કરાયેલી અરજી પર સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દાખલ કરવામાં આવેલી અરજીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા પછી પડેલા 76 લાખ મતો પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચને 2 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ અજય ગડકરી અને કમલ ખટ્ટાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
આ અરજી વંચિત બહુજન આઘાડી પાર્ટીના પ્રમુખ અને બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે દાખલ કરી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે ગત વિધાનસભા ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા પછી મતદાનની ટકાવારી અને આ વર્ષે સાંજે 6 વાગ્યા પછી મતદાનની ટકાવારીમાં ઘણો તફાવત છે. કોર્ટે ચૂંટણી પંચને 2 અઠવાડિયામાં ખુલાસો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
‘મતદાનનો વીડિયો ઉપલબ્ધ કરાવવામાં આવે’
પ્રકાશ આંબેડકરે હાઈકોર્ટને જણાવ્યું હતું કે મહાયુતિએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવી છે. કુલ 288 બેઠકોમાંથી મહાયુતિએ 230થી વધુ બેઠકો જીતવામાં સફળ રહી છે.
આ અંગે ચૂંટણી પંચ તરફથી નિવેદન આવ્યું કે બમ્પર મતદાન થયું સાંજે 6 વાગ્યા પછી 76 લાખ મતદાન થયું. ચૂંટણી પંચના નિવેદનને ટાંકીને અરજીમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટમાં દલીલ કરતા વરિષ્ઠ વકીલ પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ચૂંટણી પંચે સાંજે 6 વાગ્યા પછી થયેલા મતદાનનો વીડિયો આપવો જોઈએ. આ ઉપરાંત તેમણે RTI દ્વારા ચૂંટણી પંચને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આંબેડકરે કહ્યું કે ચૂંટણી પંચે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોડેલ નિયમોનું પાલન કર્યું નથી.
કોર્ટે પ્રકાશ આંબેડકરની માંગણી સ્વીકારી
બેન્ચે ચૂંટણી પંચને પૂછ્યું કે શું ચૂંટણી વિભાગ સાંજે 6 વાગ્યા પછી વીડિયોગ્રાફી કરે છે? આ પછી હાઈકોર્ટે એડવોકેટ પ્રકાશ આંબેડકરની માંગણી સ્વીકારી હતી.
Big BREAKING 📢
महाराष्ट्र के चुनाव में हुई धांधली पर मुंबई हाईकोर्ट के जस्टिस #अजय_गडकरी और जस्टिस #कमल_खाटा ने सुनवाई करते हुए चुना आयुक्त #राजीव_कुमार को नोटिस जारी कर दस दिन में जवाब मांगा।
दोनों जजों ने कहा कि हमें आपकी शेरो शायरी नहीं सुननी हैं।
चुनाव आयोग के कानून होने… pic.twitter.com/KqnfhtPbW1
— Deep Aggarwal (@DeepAggarwalinc) February 10, 2025
કેન્દ્રીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ જારી કરવામાં આવી છે જેમાં તેમને આગામી બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. તેમજ આપેલ સમયમર્યાદામાં ખુલાસો રજૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
અરજીમાં શું કહેવામાં આવ્યું?
અરજી પ્રમાણે, 20 નવેમ્બર 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય અને ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન કેન્દ્ર પર આપવામાં આવેલા ટોકનોની સંખ્યાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ખાસ કરીને 6 વાગ્યા પછી પણ ભારે મતદાન થયું, પણ મતની કુલ સંખ્યાની પારદર્શિતા નહોતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની અંતિમ મિનિટોમાં અને ચૂંટણીનો સમય પૂરો થઈ ગયા પછી કરવામાં આવેલા મતદાને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
અરજીમાં સાંજે 6:00 વાગ્યા પછી દરેક મતદાન મથક પર વિતરણ કરાયેલા ટોકનની સંખ્યા તેમજ વિવિધ મતવિસ્તારોમાં કુલ કેટલા ટોકન આપવામાં આવ્યા છે તે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આંબેડકરે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવી નથી, જે આરપી એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ દબાણને કારણે, અરજી દ્વારા EVM અને VVPAT ની સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા સુનિશ્ચિત કરી શકાય. હવે આ મામલે સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં, શાસક મહાયુતિ ગઠબંધને કુલ 288 બેઠકોમાંથી 235 બેઠકો જીતી હતી. તો વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન 49 બેઠકો પર સમેટાઈ ગયું. આ ચૂંટણીમાં ભાજપને 132 બેઠકો, શિવસેના (શિંદે) ને 57 બેઠકો અને એનસીપી (અજીત) ને 41 બેઠકો મળી હતી. જ્યારે MVAમાં કોંગ્રેસને 16, NCP (SP) ને 10 અને શિવસેના (UBT)ને 20 બેઠકો મળી હતી.
આ પણ વાંચો- મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું?