
AAP Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)નો રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ પાર્ટી વિસાવદર પેટા ચૂંટણીમાં વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ વધારી રહી છે, તો બીજી તરફ આંતરિક વિખવાદ અને નેતાઓની નિષ્ક્રિયતાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની સતત ગેરહાજરીથી એવી અટકળો શરૂ થઈ છે કે AAPની વધુ એક વિકેટ પડી શકે છે. આ ઉપરાંત, ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અને ઉમેશ મકવાણાના દંડકપદેથી રાજીનામાને કારણે પાર્ટીની હાલની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે.
સુધીર વાઘાણીની નિષ્ક્રિયતાથી રાજકીય અફવાઓ
ગુજરાતમાં AAPના કેન્દ્રીય નેતાઓ, જેમ કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, હાલ રાજ્યની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પાર્ટીના મહત્ત્વના કાર્યક્રમોમાં ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા જેવા ધારાસભ્યો હાજર રહ્યા હતા પરંતુ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી કોઈ પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. તેમની આ ગેરહાજરીને રાજકીય વર્તુળોમાં સૂચક ગણવામાં આવી રહી છે. રાજકીય સૂત્રોનું માનીએ તો, સુધીર વાઘાણી પાર્ટી પ્રત્યે નિષ્ક્રિય થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ AAP છોડી શકે છે.
ઉમેશ મકવાણે દંડકપદેથી આપ્યું રાજીનામું
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઉમેશ મકવાણાએ દંડકપદેથી રાજીનામું આપી દીધું હતું, જોકે તેઓ ધારાસભ્યપદે યથાવત છે. આ સ્થિતિમાં વાઘાણીની નિષ્ક્રિયતાએ AAPની અંદરની અસ્થિરતાને ઉજાગર કરી છે.
વિસાવદરની જીતે AAPને આપી સંજીવની
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે AAP પાર્ટીને રાજ્યમાં નવી ઉર્જા આપી છે, અને AAP હવે ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી સમુદાયોના મુદ્દાઓને લઈને સક્રિય થઈ રહી છે. સાબરકાંઠામાં ભાવફેરના મુદ્દે પશુપાલકોના આંદોલનને ટેકો આપવા માટે AAPએ મોડાસામાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ભાગ લીધો હતો. આ ઉપરાંત, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં પણ AAPએ લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે. કેજરીવાલે આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, અને વસાવાને આદિવાસી સમુદાયના અવાજ તરીકે ગણાવ્યા છે.
AAPની હાલની સ્થિતિ
ગુજરાતમાં AAPએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 5 બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી હતી, અને વિસાવદરની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે પાર્ટીને વધુ મજબૂતી આપી છે. પાર્ટી હવે 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પોતાનો પાયો મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. જોકે, ઉમેશ મકવાણાના રાજીનામા અને સુધીર વાઘાણીની નિષ્ક્રિયતાએ પાર્ટીની આંતરિક એકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ “ઓપરેશન કમલ” જેવી રણનીતિ અપનાવીને AAPના ધારાસભ્યોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે, જે AAP માટે મોટો પડકાર છે.
રાજકીય ષડયંત્રનો આરોપ
AAPના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ હવે ભ્રષ્ટાચાર અને અહંકારના શિખરે છે. કેજરીવાલે દાવો કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં ગુપ્ત ગઠબંધનમાં છે, અને AAP એકમાત્ર વાસ્તવિક વિપક્ષ તરીકે ઉભરી રહી છે. આ ઉપરાંત, પશુપાલકો અને ખેડૂતોના આંદોલનોને ટેકો આપીને AAP લોકોના મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ચૈતર વસાવા જેવા નેતાઓની ધરપકડ અને આંતરિક કટોકટીએ પાર્ટીની રણનીતિને અસર કરી શકે છે.
આગળનો પડકાર
આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં AAP સામાન્ય લોકો અને યુવાનોને ટિકિટ આપીને પોતાનો પાયો વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, ભાજપની મજબૂત સંગઠનાત્મક શક્તિ અને કોંગ્રેસની હાજરી વચ્ચે AAP માટે ગુજરાતમાં પોતાનું સ્થાન ટકાવવું એક મોટો પડકાર છે. સુધીર વાઘેલાની નિષ્ક્રિયતા અને શક્ય બળવો AAPની એકતાને નબળી પાડી શકે છે, જેનો ફાયદો ભાજપ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો






