
Stampede at Tamil actor Vijay’s rally । આમ તો વિશ્વભરમાં ભીડનો ભાગ બનીને આનંદ લૂંટવાની વૃત્તિ વર્ષોથી જોવા મળે છે. જોકે, ભારતમાં તો છેલ્લાં ઘણાં વર્ષોથી ભીડનો ભાગ બનવાની વૃત્તિમાં વધારો જોવા મળે છે. અને ભીડમાં ઘુસીને ઘણાં લોકો જીવ પણ ગુમાવે છે. મહાકુંભમાં પણ ભીડમાં નાસભાગ સર્જાતા અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. તેવી જ રીતે તમિલનાડુમાં શનિવારે એક્ટર વિજયની રેલીમાં ગૂમ થયેલી 9 વર્ષની બાળકીને શોધવામાં ભીડમાં નાસભાગ સર્જાતા 39 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
જાણીતા તમિલ એક્ટર વિજયે તમિલગા વેટ્ટી કઝગમ (TVK) પાર્ટી બનાવીને રાજકારણના મેદાનમાં ઝંપલાવ્યું છે. નેતા હોય કે અભિનેતા, તેઓને નજર સામે મોટી ભીડ જોવી બહુ જ ગમતી હોય છે. નેતાઓની રેલીઓ-સભાઓમાં નાણાંનો ખર્ચો કરીને પણ ભીડ ભેગી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં અરૂણાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની સભામાં 500 અને 1000 રૂપિયા આપીને ભીડને ભેગી કરવામાં આવી હતી. તેવો વિડીયો સ્થાનિક વ્લોગરે સોશિયલ મિડીયામાં વહેતો કર્યો છે. આમેય નરેન્દ્ર દામોદરદાસ મોદીના જુમલાઓ મફતમાં સાંભળવા માટે તો કોણ જોય? પ્રજાના ટેક્સના પૈસાથી ભીડ બોલાવીને નરેન્દ્ર મોદી ગર્વ અનુભવે છે એ વાત અલગ છે.
શનિવારે સાંજે તમિલનાડુના કરુર ખાતે વિજયની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી આવી હતી. વહિવટી તંત્ર દ્વારા વિજયની રેલીમાં 10000 લોકોની પરવાનગી મર્યાદા હતી. વહીવટી તંત્રનો અંદાજ હતો કે કદાચ પાંચ ગણાં એટલે કે 50 હજાર લોકો એકઠાં થશે. પરંતુ, 10 હજારની પરવાનગી અને 50 હજારના અંદાજ સામે 1 લાખ 20 હજાર જેટલાં લોકો ત્યાં ઉમટી આવ્યા હતાં.
વિજય તમિલગા વેટ્ટી કઝગમના સમર્થકોને સંબોધન કરી રહ્યો હતો. ત્યારે તેને જાણકારી મળી કે એક 9 વર્ષની બાળકી ગુમ થઈ ગઇ છે. તેથી વિજયે મંચ પરથી પોલીસ અને હાજર સમર્થકોને વિનંતી કરી કે, ગૂમ થયેલી બાળકીને શોધે.
વિજયની અપીલને પગલે સમર્થકો હાંફળા ફાંફળા થઈને બાળકીને શોધવા લાગ્યા જેમાં નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભીડમાં નાસભાગ થતાં ઘણાં લોકો એવી રીતે ફસાઈ ગયાં કે તેઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતાં. ભીડમાં નાસભાગ સર્જાતા પરિસ્થિતિ વધું વણસશે તેવું જણાતાં એક્ટર વિજયે ભાષણ બંધ કરી, લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. જોકે, બાદમાં તરત જ તે મંચ છોડીને ત્યાંથી રવાના થઇ ગયો હતો.
એક્ટર વિજયની રેલીમાં થયેલી નાસભાગ અંગે તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ. એ. સુબ્રમણ્યમે મિડીયાને જણાવ્યું હતું કે, 16 મહિલાઓ, 6 બાળકો અને 9 પુરુષોના મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકોને ઇજા પહોંચી છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આરોગ્ય પ્રધાનના નિવેદન બાદ મૃત્યુઆંક 39 પર પહોંચ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.









