
Ahmedabad:અમદાવાદની જમાલપુર સ્થિત AMC સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં સંગીત શિક્ષક રણછોડ રબારીએ 13 વર્ષની વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આરોપી શિક્ષકે રિસેસ દરમિયાન બાળકીને એકાંતમાં બોલાવી, તેને ખોળામાં બેસાડી અને શારીરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત, તેણે બાળકીને આ બાબતે કોઈને જણાવવા પર મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાળકીએ આ ઘટના અંગે તેની માતાને જણાવ્યું, જે બાદ માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ઘટનાની જાણ થતાં જ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
શિક્ષકનું બાળકીઓ સાથે અયોગ્ય વર્તન
જમાલપુરની AMC સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષની બાળકી સાથે શિક્ષક રણછોડ રબારીએ રિસેસ દરમિયાન એકાંતમાં બોલાવીને અડપલાં કર્યા હતા. તેણે બાળકીનો હાથ પકડીને તેને ક્લાસરૂમમાં લઈ જઈ, ખોળામાં બેસાડી અને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. બાળકીએ જણાવ્યું કે શિક્ષકે માત્ર તેની સાથે જ નહીં, પરંતુ અન્ય બાળકીઓ સાથે પણ આવું જ વર્તન કર્યું હતું અને કોઈને જણાવવા પર મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીના ઘરે ચૂપચાપ રહેવાનું કારણ પૂછતાં આ ઘટના બહાર આવી, અને માતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી.
અમદાવાદ સ્કૂલ બોર્ડે શું કહ્યું?
આ મામલે અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ. ડી. દેસાઈએ જણાવ્યું કે ફરિયાદની જાણ થતાં જ શિક્ષક રણછોડ રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીઆઇ સી. વી. ગોસાઈએ જણાવ્યું કે આરોપી રણછોડ રબારી પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા દસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે સંગીત શીખવવાના બહાને બાળકીઓને એકાંતમાં લઈ જઈ અડપલાં કરતો હતો. પોલીસ હાલ અન્ય બાળકીઓ સાથે આવી ઘટના બની છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
અગાઉનો સમાન બનાવ
આ પહેલાં વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. પાંચ મહિના અગાઉ ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ સાથે વ્યાયામ શિક્ષકે અડપલાં કર્યા હતા, જે બાદ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે શાળા દ્વારા વ્યાયામ શિક્ષકને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યો હતો.આવા બનાવો શિક્ષણ જગતમાં ગંભીર ચિંતા ઉભી કરી છે.








