
- અમદાવાદની પરણિતાએ ત્રણ સંતાનો સાથે ગટગટાવી ઝેરી દવા; માતા-પુત્રનું મોત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ સંતાનોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે ઝેરી દવા ગટગટાવી જતાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે.
જ્યારે બે બાળકીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બંને બાળકીઓ સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે. મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- શાસ્ત્રીય ગાયક પંડિત પ્રભાકર કરેકરનો ‘અવાજ શાંત’, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરણિતાએ ઘઉં નાખવાની દવા ચોકલેટમાં મિક્સ કરીને બાળકોને આપી હતી. ત્યારબાદ તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસરથી માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. પરણિતા લખેલો એક પત્ર પણ મળી આવ્યો હતો. જોકે, પત્રમાં કોઇને જવાબદાર ગણાવવામાં આવ્યા નથી.
આ પત્રમાં પરણિતાએ લખ્યું હતું કે મમ્મી પપ્પા હું ખૂબ થાકી ગઇ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયા પછી તમે રડતા નહી. મને અને મારા છોકારાને તમે અગ્નિ આપજો. તમારી દિકરી તરીકે મને વિદાય આપજો, મારે કોઇ વહુ બનીને મને વિદાય ન આપતા અને હા એના હાથે મને સિંદુર પણ ના પુરાવતા. મારે તમારા ઘરે પાછું નથી આવવું. હું કોઇના પર બોજ બનવા નથી માંગતી. બસ હવે હું જાવ છું. પપ્પા મમ્મી અને ભાઇ તમે લોકો બહુ રડતા નહી અને અમને લોકોને યાદ કરીને રડતા નહી.
પરિણીતાની આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સૂસાઈડ નોટના આધારે જોવા જઈએ તો તે પોતાના પતિથી નારાજ હોવાનું દેખાઈ રહ્યું છે. તેથી તે પત્ની બનીને નહીં પરંતુ એક પુત્રી તરીકે જીવનને અલવિદા કહી દીધું છે.