
ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી ગુજરાતના પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ છે. ત્યારે ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂબેરા સહિતની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરીએ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ–2025નો પ્રારંભ થશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે, જ્યારે આ સ્થળે હેન્ડીક્રાફટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે.
આ સ્થળોએ પણ યોજાશે પતંગ ઉત્સવ
11મી જાન્યુઆરીએ સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.








