
- કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત 38 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના આદેશ.
- ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓની ટ્રાફિક વિભાગમાં બદલીના આદેશ.
Ahmedabad Police । તાજેતરમાં હોળી ટાણે ગુંડાતત્વોએ આતંક મચાવ્યા બાદ એવું ચિત્ર ઉપસી આવ્યું હતું કે, અસમાજીક તત્વોને જાણે પોલીસની કોઈ બીક જ નથી. જોકે, બાદમાં ગુંડાતત્વોની જાહેરમાં સર્વિસ કરીને પોલીસ તંત્રએ પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં બાદમાં ઠેર ઠેર એવાં બનાવો બનતાં રહ્યા છે કે, અસામાજીક તત્વોને ખરેખર ખાખીવર્દીની જાણે દરકાર જ ના હોય.
શહેરમાં ઠેર ઠેર ચાલતાં દારૂ – જુગારના અડ્ડાઓ પોલીસ તંત્રનાં ચોક્કસ કર્મચારીઓની રહેમનજર હેઠળ જ ધમધમતાં હોય છે. ત્યારે શહેરમાં પોલીસ તંત્રનાં દબદબાને પુનઃસ્થાપિત કરવાનો જાણે પોલીસ કમિશનર જી.એસ. મલિક પ્રયાસ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે એકસાથે 38 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ આપતાં પોલીસ બેડાંમાં ખળભળાટ મચી ગયો છે. તેમાંય ખાસ તો ક્રાઈમમાં અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહેલાં કોન્સ્ટેબલ – હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક શાખામાં ધકેલી દેવામાં આવતાં એવું કહી શકાય કે, પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની સાફ સફાઈ કરી નાંખી છે.
આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ અસમાજીક તત્વો પર ત્રાટકે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારના ચોક્કસ હિતોના રક્ષણ માટે ક્રાઈમ બ્રાન્ચમાં મોટો ફેરફાર કરાયો છે. જે હોય તે, હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ શહેરને છાશવારે બાનમાં લેતાં અસમાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર લગામ લાગે છે કે નહીં?
પોલીસ કમિશનરે બદલી કરેલાં કર્મચારીઓની યાદી નીચે મુજબ છે.