
America-China Tariff War: અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવનો લાભ ભારતીય નિકાસકારોને થઈ શકે છે. તેઓ આ તકનો ઉપયોગ અમેરિકન બજારમાં તેમના ઉત્પાદન પુરવઠાને વધારવા માટે કરી શકે છે, એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના પ્રમુખ એસસી રાલ્હને જણાવ્યું હતું.
રિલાયન્સના એક અહેવાલ મુજબ, અમેરિકા દ્વારા ચીની માલ પર ટેરિફ લાદવાથી ભારતીય ઉત્પાદનોની ડિમાન્ડ વધશે કારણ કે ઊંચા ટેરીફને લઈ ચીની વસ્તુઓ મોંઘી થશે તો તેની સામે ચીન કરતા ઓછા ટેરીફને લઈ ભારતીય વસ્તુઓ સસ્તી મળવાથી માંગ વધી શકે છે.
ભારતે 2024-25માં અમેરિકામાં $86 બિલિયન મૂલ્યના માલની નિકાસ કરી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના પ્રમુખ રાલ્હને કહ્યું, અમેરિકાના ચીન સાથે વધતા તણાવથી ભારતીય નિકાસકારો લાભ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (10 ઓક્ટોબર) ના રોજ, અમેરિકાએ ચીનથી આવતી વસ્તુઓ પર 100 % વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કરી, જે 1 નવેમ્બરથી અમલમાં આવશે. આનાથી ચીનની આયાત પર કુલ ટેરિફ આશરે 130 ટકા થશે. આ પગલું બેઇજિંગ દ્વારા 9 ઓક્ટોબરના રોજ રેર અર્થ નિકાસ પર કડક નિયંત્રણો લાદવાને કારણે છે. દુર્લભ રેર અર્થ સંરક્ષણ, ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઉર્જા માટે મહત્વપૂર્ણ છે.
થિંક ટેન્ક GTRI એ અહેવાલ આપ્યો છે કે અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર વિવાદથી ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને સેમિકન્ડક્ટર ભાગો માટે વૈશ્વિક ભાવમાં વધારો થઈ શકે છે. વધુમાં, અમેરિકા ઇલેક્ટ્રોનિક્સ, કાપડ, ફૂટવેર, સફેદ માલ અને સૌર પેનલ માટે ચીન પર ભારે નિર્ભર છે આવા સમયે આ ટેરિફથી ચીની માલ યુએસ બજારમાં વધુ મોંઘા થશે આનાથી ભારતીય વ્યવસાયોને નવા ખરીદદારો આકર્ષવામાં મદદ મળશે અને ફાયદાકારક રહેશે.
2024-25માં, યુનાઇટેડ સ્ટેટ્સ સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો. દ્વિપક્ષીય વેપાર $131.84 બિલિયન સુધી પહોંચ્યો, જેમાં $86.5 બિલિયનની નિકાસનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ભારતના કુલ વેપાર નિકાસના આશરે 18%, આયાતના 6.22% અને કુલ વેપારના 10.73% હિસ્સો ધરાવે છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ હાલમાં દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. હાલમાં, અમેરિકા ભારતીય માલ પર 50% ટેરિફ લાદે છે, જેમાં 25% વધારાનો ટેરિફ પણ શામેલ છે.
હવે, ચીની માલ પર પહેલેથી જ 30 ટકા ટેરીફ હતો ઉપરથી 100% વધારાના ટેરિફથી ચીન ઉપર 130 ટકા ટેરીફ થઈ ગયો છે જેનો ભારતને ફાયદો થશે અને ચીન સામે ભારતની વસ્તુઓ સસ્તી રહેતા અમેરિકાના બજારમાં ભારત માટે મોટી તકો ખુલશે.
આ પણ વાંચો:
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર, ભારતની શું સ્થિતિ? જુઓ VIDEO |TradeWar
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો









