
ડૉ. જયનારાયણ વ્યાસ
America-Taiwan News: શાંત પાણીમાં મોટી શિલા ફેંકો અને જેમ વમળો સર્જાય તેમ ટ્રમ્પની ટેરિફ પૉલિસીને તમે ચાહો કે નફરત કરો પણ અવગણી શકતા નથી એ વાત હવે સ્પષ્ટ રીતે સપાટી પર આવવા માંડી છે. ટ્રમ્પ ટેરિફ પોલિસીનો ઉપયોગ ઘણા બધા દેશો સાથેના સંબંધોને આકાર આપવા માટે કરી રહ્યા છે. ટ્રમ્પ ટેરિફના આંચકાઓ સમગ્ર પૂર્વ એશિયામાં વર્તાઇ રહ્યા છે. 2.3 કરોડની વસતી ધરાવતો તાઇવાન જેને ચીન પોતાનો જ ભાગ માને છે અને ગમે ત્યારે ચીની અજગર એને ગળી જશે એવી આશંકા પ્રવર્તે છે એ પોતાની જાતને અલગ લોકશાહી દેશ માને છે.
ટેરિફે તાઇવાન સામે પડકારોને વધારી દીધા
અમેરિકાએ તાઇવાનના માલ પર 32 ટકા સહિત સમગ્ર પ્રદેશમાં ઊંચા ટેરિફ દર લાદ્યા હતા, જેમાં ચીન સિવાયના તમામ દેશો માટે 90 દિવસની આંશિક રાહત આપવામાં આવી હતી. રાહતનો આ સમય સમાપ્ત થયો છે. ટેરિફે તાઇવાન સામે લાંબા ગાળાના આર્થિક જ નહીં પણ ભૂરાજકીય પડકારોને વધારી દીધા છે.
ચીનની આર્થિક શક્તિ
ચીન પોતાના નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ કાફલાનું વિસ્તરણ કરી દક્ષિણ ચીન સમુદ્રમાં તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ચીન દરિયાઈ હિલચાલ, સાયબર કામગીરી, આર્થિક બળજબરી અને ઓનલાઈન પ્રચાર જેવી ગ્રે-ઝોન યુક્તિઓનો ઉપયોગ કરે છે જેથી તે અમેરિકા અને તેના સાથી દેશો તરફથી લશ્કરી પ્રતિક્રિયા ટાળીને આ પ્રદેશ પર નિયંત્રણ મેળવી શક્યું છે. ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવે તો ચીનની આર્થિક શક્તિ અને ડિજિટલ અને રિન્યુએબલ ઊર્જા તકનીકોમાં તેની વધતી જતી આગેવાનીના સંયોજનથી તે નિર્ણાયક પ્રભુત્વ મેળવી શકે છે.
ચીનના અન્ય દેશોને બળજબરીથી પોતાની તરફ કરવાના પ્રયાસ
દક્ષિણ ચીન સમુદ્રના તાઇવાન સહિત અન્ય દેશો બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામની સંરક્ષણ અને સામાજિક નબળાઈઓ તપાસી ચીન તેમની યુએસ સાથેની ભાગીદારી નબળી પાડવાનો પ્રયાસ કરી શકે છે. ચીનનું વિશાળ અર્થતંત્ર તેની મુખ્ય શક્તિ છે, જેનો ઉપયોગ તે અન્ય દેશોને આકર્ષવા અથવા બળજબરીથી પોતાની તરફ કરવામાં કરી રહ્યું છે.
ચીન દક્ષિણપૂર્વ એશિયાઈ અર્થતંત્રોને પોતાના ઉત્પાદન નેટવર્કમાં જોડી રહ્યું છે
ચીન આ પ્રદેશનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને આંતરમાળખાકીય સુવિધાઓનો મુખ્ય નિર્માતા છે. ચીન દક્ષિણપૂર્વ એશિયાઈ અર્થતંત્રોને પોતાના ઉત્પાદન નેટવર્કમાં જોડી રહ્યું છે, પ્રદેશના આશાસ્પદ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરી તેમણે હસ્તગત કરી રહ્યું છે, અને અત્યાધુનિક, સસ્તી ડિજિટલ અને રિન્યુએબલ ઊર્જા તકનીકો પ્રદાન કરી રહ્યું છે. આ બધા આકર્ષણો જોતાં દક્ષિણપૂર્વ એશિયાઈ સરકારો ચીનની દરિયાઈ બળજબરી સામે પીછેહઠ કરી પોતાના આર્થિક હિતોને સાધવાનું પસંદ કરે એ શક્યતા વધારે છે.
દક્ષિણપૂર્વ એશિયામાં ચીનનું પ્રભુત્વ અને ઊંડા
આંતરસંબંધોને કારણે આગામી દાયકામાં આ ક્ષેત્રના દેશો માટે તે વધુને વધુ મહત્વપૂર્ણ વિકાસ ભાગીદાર બનશે. આ વિસ્તારના દેશો પૈસા અને ટેકનોલોજીનો પ્રવાહ ચાલુ રહે એમ ઈચ્છે છે, અને સાથે જ તેમને એવો ડર પણ છે કે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં તેનો વિરોધ કરનારાઓ પર આર્થિક પ્રતિબંધો લાદશે. આ ક્ષેત્રમાં ચીનનું આર્થિક પ્રભુત્વ પહેલેથી જ છે અને અમેરિકા તેને સરભર કરી શકે એવી શક્યતા ઓછી છે. આ દેશોની આગામી દાયકામાં વધતી જતી ઉર્જા માંગ ચીન માટે પ્રભુત્વ સ્થાપવાનું ઝડપી બનાવી શકે છે. જોકે યુએસ અને યુરોપ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે.
તાઇવાનના ચીન સાથેના વ્યાપારી સંબંધોમાં અમેરિકાનું મહત્વ
અત્યાર સુધી તાઇવાનના ચીન સાથેના વ્યાપારી સંબંધોની સરખામણીમાં અમેરિકા ખાસ મહત્ત્વ ધરાવતું નહોતું પણ જાન્યુઆરીથી મે સુધીના ગાળામાં તાઇવાનની અમેરિકાને નિકાસ, ખાસ્સી વધીને તાઇવાનની કુલ નિકાસમાં 26.8 ટકા જેટલો હિસ્સો ધરાવતી થઈ છે. જ્યારે આ સામે ચીન હજુ પણ 28.1 ટકા નિકાસ ભાગ સાથે તાઇવાની માલસામાનની નિકાસનો મોટામાં મોટો હિસ્સેદાર છે. પણ છેલ્લા 24 વર્ષમાં આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે તાઇવાનની કુલ નિકાસમાં ચીનને કરવામાં આવેલી નિકાસનો હિસ્સો 30 ટકા કરતા નીચે ગયો હોય.
તાઇવાનનો અમેરિકાને ખોળે બેસવાનો પ્રયત્ન
તાઇવાન વિશ્વનું સેમીકન્ડક્ટર માલ-સામાન ઉત્પાદન કરતું મહત્ત્વનું કેન્દ્ર છે અને એને ‘એશિયન સેમીકન્ડક્ટર પાવર’ તરીકે યોગ્ય રીતે જ નવાજવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં ચીન તાઇવાન તરફ વધુને વધુ દુશ્મનીભર્યા સંબંધો રાખતું થયું છે અને નજીકના ભવિષ્યમાં કદાચ હુમલો કરીને ચીની અજગર તાઇવાનીઝ ઉંદરને ગળી જાય તેવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે તાઇવાન માટે ચીન તરફથી એક જોખમ પહેલાથી જ હતું અને હવે તે અમેરિકા તરફ વધુને વધુ ઢળતું જાય છે એ સંયોગોમાં અમેરિકાને ખોળે બેસવાનો પ્રયત્ન કરીને તે બીજા જોખમને નોતરી રહ્યું છે એવું લાગે છે.
તાઇવાને પોતાનો આર્થિક ઝુકાવ ચીન ઉપરથી ઘટાડ્યો
તાઇવાન પોતાનો આર્થિક ઝુકાવ ચીન ઉપરથી ઘટાડી રહ્યું છે અને એ થકી ઉલમાંથી ચૂલમાં પડવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે, આમ કરવાથી એ ટ્રમ્પ જેવા તરંગી અમેરિકન પ્રમુખની ટેરિફ નીતિઓના ઉપર આધારિત થઈ જશે. એપ્રિલ, ૨૦૨૫માં ટ્રમ્પે તાઇવાનના ઉત્પાદનો ઉપર ૩૨ ટકા ટેરિફ નાખી હતી, જે પાછળથી મંત્રણાઓ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થાય તે હેતુથી 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.
તાઇવાને અમેરિકન માલસામાનની ખરીદી વધારવા માટેનું વચન આપ્યું
તાજેતરમાં જ તાઇવાનની અમેરિકન ચેમ્બર્સ ઑફ કૉમર્સ દ્વારા યુએસને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તાઇવાનના માલસામાન ઉપરના અમલમાં મૂકવા ધારેલ નવાં ટેરિફ દૂર કરવામાં આવે અને તે રીતે અમેરિકાના વિશ્વાસપાત્ર સાથી તાઇવાનને થતો અન્યાય દૂર કરવામાં આવે. તાઇવાન બંને દેશો વચ્ચે સર્વસમાવેશક ટ્રેડ એગ્રીમેન્ટ ઈચ્છે છે. તાઇવાનનું કહેવું છે કે, આને કારણે અમેરિકા અને તાઇવાન વચ્ચેનાં વેપારનાં કેટલાંક ચાવીરૂપ ક્ષેત્રો જેવાં કે, ટેક્નોલૉજી ટ્રાન્સફર, ઇન્ટલેએક્ચ્યુએલ પ્રોપર્ટી પ્રોટેક્શન અને સપ્લાય ચેન સિક્યોરિટી આડેના અવરોધો ટાળી શકાશે. પોતાના ઉપર નાખવામાં આવેલ ટેરિફ અને રેસીપ્રોકલ ટેરિફ માટે ટ્રમ્પની ઝાટકણી કાઢવાને બદલે તાઇવાનના પ્રેસિડેન્ટ લાઈ ચીંગ-તે-ના વહીવટીતંત્રે વ્હાઈટહાઉસ ખાતે સમજૂતી અને મૈત્રીપૂર્ણ સબંધો વિકસાવવાની નીતિ પસંદ કરીને અમેરિકન માલસામાનની ખરીદી વધારવા માટેનું વચન આપ્યું છે અને પોતે વધુ ને વધુ ખરીદી અમેરિકા પાસેથી ક૨શે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ટ્રમ્પની ટેરિફની ધમકીથી તાઇવાનના વ્યાપારમાં બદલાવ
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો ચીન ઈ.સ. 2000 થી તાઇવાનનું ટોચનું આયાતકાર બન્યું અને તાઇવાનમાંથી થતી કુલ નિકાસના 40 ટકા જેટલી નિકાસ 2004 થી 2022 વચ્ચે ચીનના ફાળે ગઈ. ઉપરાંત ચીનમાં એપલનાં ઉત્પાદનો માટે જરૂરી પાર્ટસ પેદા કરવાનું કામ પણ તાઇવાનની કંપનીઓ કરે છે, જેના કારણે પણ તાઇવાન અને ચીન વચ્ચેના વ્યાપારી સંબંધો વધ્યા છે. પણ ચાલુ વર્ષના પહેલા પાંચ મહિનામાં આ પ્રવાહ બદલાયો અને 61.6 અબજ ડૉલર જેટલી તાઇવાનની નિકાસ અમેરિકાને ફાળે ગઈ, જે તાઇવાનની કુલ નિકાસના 43.1 ટકા થાય. એકલા મે મહિનામાં જ અમેરિકા તરફ જતા શીપમેન્ટમાં 87.4 ટકાનો વધારો થઈ નિકાસનો આંકડો 15.5 અબજ અમેરિકન ડૉલરે પહોંચ્યો. કદાચ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિક ટેરિફની ધમકી તાઇવાનના વ્યાપારમાં આ બદલાવ માટે કારણભૂત છે. જાન્યુઆરીથી મે દરમિયાન તાઇવાનની કુલ નિકાસ 229.9 અબજ ડોલર થઈ, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 24.3 ટકા વધુ છે. આમાંથી, હોંગકોંગ સહિત ચીનમાં થયેલ શિપમેન્ટ ગયા વર્ષની તુલનામાં 12.6 ટકા વધ્યું છે, પરંતુ હજુ પણ કુલ નિકાસના માત્ર 28.1 ટકા છે.
‘ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું’ થશે ?
આમ, ચીન અને અમેરિકા સાથેના તાઇવાનના વ્યાપારની ટકાવારીમાં જબરદસ્ત ઊલટફેર થયો છે. તાઇવાને ચીનનો છેડો છોડી અમેરિકાનો છેડો પકડવાનો અને એને એ રીતે રીઝવીને પોતાના ઉત્પાદનો ઉપરના ટેરીફ શૂન્ય સુધી નીચાં લઈ જવાય તે માટેનો પ્રયત્ન એક મોટો જુગાડ છે. આમાં તાઇવાન માટે ‘ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું’ થશે કે કેમ એ તો આવનાર સમય જ કહેશે.
આ પણ વાંચો:
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત
Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત