
Amreli: અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલી IIFL ફાઇનાન્સ બેંકમાં ફરજ બજાવતી 25 વર્ષીય યુવતી ભૂમિકા સોરઠીયાએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ યુવતીએ પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવું થઈ જતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.
28 લાખ રૂપિયાનું દેવું થઈ જતા યુવતીએ કર્યો આપઘાત
આ ઘટના 18 જુલાઈ, 2025ના રોજ બની હતી, જ્યારે ભૂમિકા સોરઠીયાએ બેંકમાં ફરજ દરમિયાન અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં ભૂમિકાએ 28 લાખ રૂપિયાનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઓનલાઈન ગેમિંગ અને Shine.com નામની કંપની સાથે સંબંધિત હોવાનું જણાવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂમિકા ટેલિગ્રામ ચેટ દ્વારા ફ્રોડનો શિકાર બની હતી. તેમાં તેને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલો દ્વારા અલગ-અલગ ટાસ્ક આપવામાં આવતા હતા. શરુઆતમાં તો તેને નાના રોકાણનું વળતર આપવામાં આવતું હતું. જે બાદ તેને મોટી રકમોનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જો કે, ઠગબાજોએ ફેક એકાઉન્ટ બનાવીને આ રોકાણ પર મોટો નફો મળવાની લાલચ આપી. પરંતુ જ્યારે ભૂમિકા પોતાના રોકાણ કરેલા પૈસા પરત માંગતી હતી, ત્યારે તેને પૈસા પરત આપવા માટે વધુ પૈસાની માંગણી કરતા હતા આમ પોતે રોકેલા પૈસા પાછા મેળવવા માટે વધુ પૈસા આપતી ગઈ અને તે દેવામાં દૂબતી ગઈ.
પરિવારે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ ફ્રોડના કારણે તે ભારે આર્થિક દબાણમાં હતી, જેના પરિણામે તેણે આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું, હાલ તો પોલીસે સુસાઈડ નોટના આધારે ભૂમિકાના પરિજનોએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ટાસ્ક-બેઝ્ડ ફ્રોડ શું છે?
ટાસ્ક-બેઝ્ડ ફ્રોડ એક છેતરપિંડીનો પ્રકાર છે. જેમાં લોકોને YouTube વિડીયો લાઈક કરવા, એપ ડાઉનલોડ કરવી, પ્રોડક્ટ રિવ્યુ લખવા, વગેરે કરીને પૈસા કમાવવાની લાલચ અપાય છે. શરુઆતમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે થોડા પૈસા આપવામાં આવે છે. પછી તેમાં રોકાણ કરાવીને છેતરપિડી આચરવામાં આવે છે.
મધ્યમવર્ગની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ
મધ્યમવર્ગીય પરિવારો ઘણીવાર નિયમિત આવક અને મર્યાદિત સંસાધનો પર નિર્ભર હોય છે. નોકરીયાત વ્યક્તિઓ, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો, મહેનતથી બચત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, ઓનલાઈન ગેમિંગ, શેરબજાર અથવા અન્ય ઝડપી નાણાં કમાવવાની લાલચ આપતી યોજનાઓના ફ્રોડ મધ્યમવર્ગની આર્થિક સ્થિતિને હચમચાવી દે છે. આવા દેવાનો બોજ મધ્યમવર્ગીય વ્યક્તિ માટે અસહ્ય બની શકે છે, કારણ કે તેમની પાસે ઘણીવાર મોટી બચત કે આર્થિક સલામતીનો અભાવ હોય છે.
ભૂમિકાની સુસાઈડ નોટમાં Shine.com નામની કંપનનો ઉલ્લેખ હતો, ભૂમિકાના કિસ્સામાં ટાસ્ક-બેઝ્ડ ફ્રોડે તેને 28 લાખ રૂપિયાના દેવામાં ડુબાડી દીધી હતી. ભુમિકાની ઘટના દર્શાવે છે કે તે આર્થિક દબાણ ઉપરાંત સામાજિક દબાણનો પણ ભોગ બની હતી. મધ્યમવર્ગના લોકોમાં પોતાની આર્થિક સ્થિતિને લઈને સમાજ સામે સન્માન જાળવવાનું દબાણ હોય છે, જે આવા કિસ્સાઓમાં માનસિક તણાવનું કારણ બને છે. આ ઘટનાએ ઓનલાઈન ફ્રોડના શિકાર બનતા લોકોની માનસિક સ્થિતિ અને સમાજના દબાણની અસરને પણ ઉજાગર કરી છે.
મધ્યમવર્ગના લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો
આ ઘટના મધ્યમવર્ગના લોકો માટે ચેતવણીરૂપ છે, જેઓ ઝડપી નાણાં કમાવવાની લાલચમાં શંકાસ્પદ યોજનાઓમાં ફસાઈ જાય છે. આવા ફ્રોડના શિકાર બનવાથી ન માત્ર આર્થિક નુકસાન થાય છે, પરંતુ પરિવાર અને સમાજમાં માનસિક તણાવનો સામનો પણ કરવો પડે છે.
આ પણ વાંચો:







