
Amreli: ખાંભા તાલુકાના ભાડ ગામની 25 વર્ષીય યુવતી ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની હતી તેને ટેલિગ્રામ ચેનલ દ્વારા ઉંચા વળતરની લાલચે 28 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ, દેવાના બોજ અને રોકાણની રકમ પરત ન મળવાથી હતાશ થઈને તેણે આત્મહત્યા કરી લીધી. ત્યારે અમરેલી પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પગેરું શોધીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી ભૂમિકાએ ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાઈને રોકાણની લાલચે 28 લાખ રૂપિયા રોક્યા હતા. આ ગ્રૂપમાં સભ્ય બનાવવા અને રોકાણના નામે મોટા આર્થિક વળતરનું વચન આપવામાં આવ્યું હતું. જોકે, ચીટર ગેંગે વિવિધ બહાને તેની સાથે છેતરપિંડી કરી. જ્યારે રોકાણની રકમ પરત ન મળી અને દેવું વધતું ગયું, ત્યારે ભૂમિકાએ 16 જુલાઈ, 2025ના રોજ પોતાની ઓફિસમાં અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવ્યું. તેની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં દેવાને કારણે આ પગલું ભર્યાનું જણાવાયું હતું.
પોલીસે ઉંડાણપૂર્વ તપાસ કરી શરુ
અમરેલી પોલીસે ટેકનિકલ ટીમની મદદથી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન ચીટર ગેંગના બે સભ્યો પુષ્કરાજ ધર્મેન્દ્ર (મધ્યપ્રદેશ) અને રોહિત ઉર્ફે જોન અમુલખ રામચંદ્રણી (રાજસ્થાન, જોધપુર)ની ધરપકડ કરવામાં આવી. આ બંને એકાઉન્ટ હોલ્ડર તરીકે કામ કરતા હતા અને ચીટર ગેંગને માહિતી પૂરી પાડીને મોટું કમિશન મેળવતા હતા. પોલીસે અન્ય આરોપીઓની શોધ માટે વધુ તપાસ હાથ ધરી છે.
ચીટર ગેંગનો પર્દાફાશ
આ ઘટના ઓનલાઈન છેતરપિંડીના વધતા જોખમોને ઉજાગર કરે છે. ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉંચા વળતરની લાલચ આપતા ગ્રૂપ્સથી સાવધાન રહેવું જરૂરી છે. પોલીસે લોકોને આવા ઓનલાઈન રોકાણની યોજનાઓમાં સામેલ થતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરવાની અપીલ કરી છે.
અમરેલી પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ચીટર ગેંગનો પર્દાફાશ થયો છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો:
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court








