
- દ્વારકામાં 200 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે
ભાજપ સરકારમાં મંદિર-મસ્જિદો અને ગરીબોના ઘરોને તોડી પાડવાનું કામ ખુબ જ શાનદાર રીતે ચાલી રહ્યું છે. આ બધું જ કામ વિકાસ શબ્દની આડમાં કરવામાં આવી રહ્યું છે. હિન્દુ હોય કે મુસલમાન, જો તમે ગરીબ છો અને સરકારને તમારૂં ઘર નડે છે તો તેને તોડી પાડવામાં કોઈ જ સહેશરમ રાખવામાં આવશે નહીં. જો તમે અમીર છો અને તમારી પહોંચ બીજેપીના ટોચના નેતાઓ સાથે છે તો તમારે ડરવાની જરૂરત નથી. પરંતુ સામાન્ય વ્યક્તિઓ માટે તે અશક્ય બાબત છે.
ગુજરાતમાં પાછલા દિવસોમાં રબારી સમાજના લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, રબારી સમાજ બીજેપીની એક મજબૂત વોટ બેંક છે. વર્ષોથી રબારી-દેસાઈ-ભરવાડ સમાજ બીજેપીના ઉમેદવારોને ચૂંટતું આવ્યું છે. પરંતુ અંતે તો રબારી સમાજના લોકોને જ ભોગવવાનો વારો આવ્યું છે. તેવી જ રીતે હવે ગુજરાતમાં મસ્જિદો તોડ્યા પછી હવે મંદિરોનો વારો આવી ગયો છે. વિકાસના નામે લોકોને બેઘર અને વિનાશ કરવાનું કામ કરવામાં આવી રહ્યુ છે, તો બીજી તરફ ઉદ્યોગપતિઓની લોન માફી અને પાણીના ભાવે જમીનો આપવામાં આવી રહી છે.
વિકાસ શબ્દને આગળ ધરીને ગુજરાતમાં ગરીબોના ઝૂંપડાં હટાવાઇ રહ્યાં છે. એટલુ જ નહીં, ધાર્મિક સ્થળોને પણ નોટિસો આપી દબાણ હટાવવાનું શરૂ કરાયુ છે જેથી લોકોમાં ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે. હિન્દુત્વના નામે ખોબલે ખોબલે મતો મેળવી સત્તાના સિંહાસને બિરાજમાન ભાજપના સત્તાધીશોને હવે મંદિરો પણ નડી રહ્યાં છે. દ્વારકા જીલ્લામાં 200થી વધુ ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર દબાણ હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે.
આ પણ વાંચો- ટ્રેવિસ હેડનો શાનદાર કેચ લેનાર શુભમન ગિલને અમ્પાયરે કેમ આપી ચેતવણી?
લોકોનું કહેવુ છે કે, આંતરિયાળ ગામોમાં ધાર્મિક સ્થળોને તોડી સરકાર શું સાબિત કરવા માંગે છે. શહેરોમાં મોંઘી સરકારી જમીનો પર ભાજપના નેતા-મળતિયાઓના ગેરકાયેદસર કોમ્પ્લેક્સ ખડકી દેવાયા છે ત્યાં દાદાનુ બુલડોઝર કેમ ફરતુ નથી. મહત્ત્વની વાત એ છે કે, ધાર્મિક સ્થળોએ ગેરકાયદેસર દબાણ હતું તો પછી લાખો રૂપિયા ગ્રાન્ટમાં કેમ વાપરવામાં આવે તે વાત ગળે ઉતરતી નથી.
દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરવા હિલચાલ શરૂ કરી છે. આ ધાર્મિક સ્થળો આસ્થા, ભાઈચારા, સૌહાર્દ, કોમી એકતાનું પ્રતીક છે. ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ છે તે પૈકી ઘણાં તો આઝાદી પહેલાના છે.
આ ધાર્મિક સ્થળોએ લોકો જ્ઞાતિ જાતિ ધર્મ બાજુએ મૂકી રંગેચંગે તહેવારો ઉજવે છે. હવે સવાલ એ ઉઠ્યોકે, સરકારને અચાનક ધાર્મિક સ્થળો તોડવાનું શૂરાતન કેમ ઉપડ્યુ છે. ધાર્મિક સ્થળોને તોડી સરકાર જ સૌહાર્દપૂર્ણ વાતાવરણને કેમ ડહોળી રહી છે? મુખ્યમંત્રીને પત્ર લખી કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ આક્ષેપો કર્યા હતા.
સરકારી ગ્રાન્ટમાંથી જ ધાર્મિક સ્થળોએ વિવિધ કામો થયા છે
મજાની વાત તો એ છે કે, મોટાભાગના ધાર્મિક સ્થળોમાં તાલુકા-જિલ્લા પંચાયત જ નહી, ધારાસભ્ય-સાંસદોએ ભૂતકાળમાં ગ્રાન્ટ ફાળવી છે. સરકારી ગ્રાન્ટમાંથી જ ધાર્મિક સ્થળોએ વિવિધ કામો થયા છે. તો શું દબાણ વાળી જગ્યાએ ધાર્મિક સ્થળની પુરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી.
ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી, આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદેસર કેવી રીતે કહેવાય.
સરકારની બેધારી નીતિ
આ સવાલો સ્થાનિકો સરકારને પૂછી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂા. 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. હવે એક બાજુ, સરકાર ધાર્મિક સ્થળો માટે ગ્રાન્ટ ફાળવે છે, તો બીજી તરફ, ધાર્મિક સ્થળોને ગેરકાયદેસર ઠેરવી તોડી પાડવા કાર્યવાહી કરે છે. સરકારની આ બેધારી નીતિ કેમ.
આ જ વિસ્તારમાં ગેરકાયેદસર વિન્ડફાર્મ ઉભા કરાયા છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. શહેરી વિસ્તારોમાં ભાજપના મળતિયાઓના ગેરકાયેદસર બાંધકામોને તોડી પાડવામાં આવતા નથી. એવી પણ માંગ કરવામાં આવી છે, ધાર્મિક સ્થળો માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવે.
આ પણ વાંચો-શેરમાર્કેટ ખુલતા જ સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 73,500ના સ્તરે પહોંચ્યો: નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી