
વિધાનસભા ખાતે પ્રેસ-ક્રોન્ફ્રન્સ કરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. ઓ.બી.સી. સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે.
સૌ જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સુચના કરવામાં આવી. જેના ભાગ સ્વરૂપ જુલાઈ ૨૦૨૨માં જસ્ટીસ ઝવેરીજીના અધ્યક્ષ સ્થાને સમર્પિત આયોગની રચના કરવામાં આવી. આયોગ દ્વારા અભ્યાસ કરીને નગરપાલિકા, તાલુકા, જીલ્લા, મહાનગર અને ગ્રામ પંચાયત જેને યુનિટ દીઠ ગણી યુંનીટમાં ઓ.બી.સી.ની કેટલી વસ્તી છે એને ૫૦%ની અપર લીમીટને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરવામાં આવી. અને આયોગ દ્વવારા વિગતવાર અભ્યાસ કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો.
વર્ષ ૨૦૧૦ અને ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઓ.બી.સી.ની વસ્તીનો સર્વે કરવા માટે આયોગ બનાવવા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા. સૂચનાઓ આપવામાં આવી એના ભાગ સ્વરૂપ જુલાઈ ૨૦૨૨માં ગુજરાત સરકારે સમર્પિત આયોગની રચના કરી. આયોગની રચના કરી ત્યારે ૯૦ દિવસમાં રીપોર્ટ આપશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
પણ સૌ જાણીએ છીએ એમ આયોગની મુદત ત્રણ-ત્રણ વાર વધારવામાં આવી. ત્યાર પછી પણ સરકાર દ્વારા રીપોર્ટ લેવામાં નહોતો આવતો. આયોગ દ્વારા કહેવામાં આવ્યું કે રીપોર્ટ તૈયાર છે પણ સરકાર વિલંબ કરવા માટે રીપોર્ટ સ્વીકારતી નથી.
કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મહામહિમ રાજ્યપાલશ્રી પાસે ગયા અને માંગણી કરી. રાજ્યપાલની સુચના બાદ અપ્રિલ ૨૦૨૩માં સરકારે આયોગનો રીપોર્ટ સ્વીકાર્યો. લગભગ ૧૦ મહિના જેટલા સમય પછી રીપોર્ટ સ્વીકારવામાં આવ્યો. રીપોર્ટ સ્વીકાર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના કારણે આંદોલન કર્યા, ગાંધીનગરમાં સ્વાભિમાનના ધરણા થયા, ત્યારબાદ સરકારે કમિટીની રચના કરી. ત્યાર પછી વિધ્નાસભામાં સપ્ટેમ્બર ૨૦૨૩ આના માટેનું બીલ લાવવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓ.બી.સી. અનામત માટેનું બીલ લાવવામાં આવ્યું. એ પહેલા વારંવાર રજુઆતો અને માંગણીઓ કરવામાં આવી કે જસ્ટીસ ઝવેરીજીના અધ્યક્ષ્સ્થાનમાં સમર્પિત આયોગે જે રીપોર્ટ સરકારમાં સબમિટ કર્યો છે, જેના આધારે વિધાનસભામાં બીલ આવી રહ્યું છે એ બીલની ચર્ચા કરતા પહેલા એ રીપોર્ટને પબ્લિક ડોમેઈનમાં મુકવામાં આવે જેથી કરીને દેશ અને દુનિયાના લોકો જાણી શકે કે જસ્ટીસ ઝવેરીજીએ સમર્પિત આયોગમાં શું ભલામણો કરી, રીપોર્ટમાં શું છે એના આધારે રીપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે ત્યારે વિધાનસભામાં બીલ આવી રહ્યું છે ત્યારે બીલ ઉપર ખુબ મોકળાશથી ચર્ચા થઇ શકે અને એના તથ્યો, આધાર, પુરાવા અને બેઝ રજુ કરી શકાય. પણ સરકાર કંઇક છુપાવવા માંગતી હતી, સરકારની મેલીમુરાદ હતી એટલે વારંવારની માંગણી છતાં રીપોર્ટ પબ્લિક ડોમેઈનમાં પ્રસિદ્ધ કરવામાં ના આવ્યો. વિધાનસભામાં જયારે ધારાસભ્ય તરીકે બીલની ચર્ચા કરતા પહેલા પણ વારંવાર માંગણીઓ કરવામાં આવી તેમ છતાં પણ રીપોર્ટ આપવામાં ના આવ્યો અને બીલ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું.
ત્યારબાદ પણ વારંવાર માંગણી કરવામાં આવી કે રીપોર્ટની કોપી મળવી જોઈએ. વિપક્ષના ઓફીસના નેતાની ઓફિસમાંથી જે પત્ર દ્વારા લેખિતમાં માંગણી કરવામાં આવી એનો રેકોર્ડ છે. અમે તા. ૨૧/૧૧/૨૦૨૩ના રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો કે હવે બીલ પાસ થઇ ગયું છે, કાયદો આવી ગયો છે હવે શું કામ રીપોર્ટ છુપાવો છો, રીપોર્ટની કોપી મળવી જોઈએ, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પત્ર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને તબદીલ કરવામાં આવે છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ લેખિતમાં આપે છે કે સમર્પિત આયોગની કોપી અમારી પાસે નથી તમારે રીપોર્ટ જોઈતો હોય તો શહેરી વિકાસ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગને પત્ર તબદીલ કરીએ છીએ. ત્યારબાદ પંચાયત વિભાગ પાસે રીપોર્ટની માંગણી કરી તો તેમની પાસે પણ રીપોર્ટ નહોતો તેમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે માંગવો જોઈએ, શહેરી વિકાસ વિભાગ પણ કહે છે અમારી પાસે રીપોર્ટ નથી અમે આપી ના શકીએ.
વારંવારની રજુઆતો અને છેલ્લા એક વર્ષના પત્ર વ્યવહાર બધા ડેટા છે પણ એક વિભાગ બીજા વિભાગને ખો આપે છે. વારંવાર લખવા છતાં રીપોર્ટની કોપી વિપક્ષને કે ધારાસભ્યશ્રીઓને મળતી નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશો, ગાઈડલાઈનોને અવગણીને વિધાનસભામાં બીલ લાવવામાં આવ્યું છે.
આની વિસ્તૃત ચર્ચામાં બધી જ વાતો વિધાનસભાના ફ્લોર પર પણ મુકેલ છે. સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયા પણ સમર્પિત આયોગના રીપોર્ટને ઘોળીને પી ગયેલી આ સરકાર હજુ પણ પોતાનું જુઠ, મેલીમુરાદ અને જે ઓ.બી.સી. સમાજને અન્યાય કર્યો છે, જે યુનિટ દીઠ રીઝર્વેશન આપવાનું હતું એ નથી આપી એ છુપાવવા માટે સમર્પિત આયોગના રીપોર્ટને છુપાવવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર આના બહાના હેઠળ છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરતી નથી. ૭ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પેન્ડીંગ છે, ૨ જીલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૭૫ કરતા વધારે નગરપાલિકામાં વહીવટદારોનું રાજ છે.
બીજી તરફ સરકાર રીપોર્ટ છુપાવી રહી છે. સરકારની મેલી મુરાદ છે. ઓ.બી.સી. સમાજને જે અન્યાય કર્યો છે, ભેદભાવ કર્યો છે એને મળવાપાત્ર અનામંત નથી આપી એ પોતાની પોલ ખુલ્લી ન પડી જાય એટલા માટે રીપોર્ટ છુપાવવામાં આવે છે. આથી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક સમર્પિત આયોગનો રીપોર્ટ પબ્લીક ડોમેઈનમાં ઉપલબ્ધ કરાવે. મીડિયાને, પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને અને સામાન્ય જનતા જોઈ શકે એ રીતે રીપોર્ટને પ્રસિદ્ધ કરે. આવતા એક અઠવાડિયાની અંદર આ અંગે કાર્યવાહી નહિ કરે તો અમે મુખ્યમંત્રી પાસે છેલ્લે પત્રવ્યવહાર કરીને માંગણી કરી છે એ મુજબ રીપોર્ટ નહિ આપે તો ના છૂટકે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય બહાર જઈ ગુજરાતની જનતા, ગુજરાતનો ઓ.બી.સી. સમાજ એ માહિતી જાણવા માંગે છે, રીપોર્ટ જોવા માંગે છે, અભ્યાસ કરવા માંગે છે એને પ્રસિદ્ધ કરાવવા માટે ધરણા કરવામાં આવશે. એટલે સરકાર તાત્કાલિક રીપોર્ટ પ્રસિદ્ધ કરે એવી માંગણી કરીએ છીએ.