
મહારાષ્ટ્રના જલગાંવના પરધાડે રેલ્વે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાવી હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા. તે જ સમયે, કર્ણાટક એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી, જેના કારણે ઘણા મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ નીચે કચડાઈ ગયા છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો હતો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેથી ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા છે.
રેલવે અધિકારીઓ દોડી ગયા
અધિકારીઓ તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘટનાની તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવા અને અફવા ફેલાવવામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓ ખોટા ફાયર એલાર્મના સ્ત્રોતની પણ તપાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લઈ રહ્યા છે.
પરધાડે રેલ્વે સ્ટેશન પર બનેલી દુ:ખદ ઘટના બાદ, ભુસાવલના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અકસ્માત સ્થળ પર રવાના થઈ ગયા છે. રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર, સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ સાથે, પરિસ્થિતિનો તાગ મેળવવા અને કટોકટીના પગલાંનું સંકલન કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને બચાવ ટીમો મદદ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.