
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સ્વીકાર્યું છે કે નાણાકીય અને આર્થિક ગુનાઓની તપાસ કરતી ભારતની મુખ્ય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા નોંધાયેલા ધન શોધન નિવારણ અધિનિયમ (પીએમએલએ) કેસોમાં આરોપ સાબિત થવાની દર 5% થી પણ ઓછી રહી છે.
રિપોર્ટ અનુસાર, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 1 જાન્યુઆરી 2019થી 21 ઑક્ટોબર 2024 વચ્ચે પીએમએલએ હેઠળ નોંધાયેલા 911 કેસોમાંથી માત્ર 42 કેસોમાં (4.6%) દોષ સાબિત થયા છે અને 257 (28%) કેસ ટ્રાયલ સ્ટેજ સુધી પહોંચ્યા છે.
ઈડીનો ખરાબ ટ્રેક રેકોર્ડ બાકી રહેલા કેસોની સંખ્યામાં પણ દેખાયો. સંસદમાં ચૌધરીના જવાબમાં જણાવ્યું કે પીએમએલએ હેઠળ દાખલ કુલ કેસોમાં 654 કેસ એટલે કે 71.7% કેસ હજુ બાકી છે.
જણાવી દઇએ કે આ મામલામાં કેન્દ્રીય મંત્રીનો જવાબ વિપક્ષના તે દાવાને મજબૂત કરે છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી વિપક્ષ સતત કહી રહ્યું છે કે કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા અને અસંતોષોને મૌન કરવા માટે ઈડી અને પીએમએલએનો દુરુપયોગ કર્યો છે.
આ સંદર્ભમાં ઈન્ડિયન એક્સપ્રેસે 2022માં જણાવ્યું હતું કે 2014 પછીથી રાજકારણીઓ વિરુદ્ધ ઈડીના કેસોમાં ચાર ગણો વધારો થયો છે, અને તેમાંના 95% કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ હતા. ઈડીએ ત્યારે જવાબ આપતા કહ્યું હતું કે મોટી સંખ્યામાં બાકી રહેલા કેસો હોવા છતાં તે કેસોમાં તેની સજા દર 96% થી વધુ છે, જે ટ્રાયલ સ્ટેજ સુધી પહોંચ્યા છે.
જોકે, વિપક્ષે હજુ પણ ઈડી દ્વારા નોંધાયેલા પીએમએલએ કેસોની સંખ્યા અને ટ્રાયલ સ્ટેજ સુધી પહોંચનારા કેસો વચ્ચે મોટો અંતર બતાવ્યો છે.
ઉલ્લેખનિય છે કે આ વર્ષે ઑગસ્ટ 2024માં સુપ્રીમ કોર્ટની એક પીઠે સરકાર દ્વારા 2022માં પીએમએલએમાં સુધારો રજૂ કર્યા પછી ઈડી દ્વારા રજૂ કરેલી ખરાબ ‘અભિયોજનની ગુણવત્તા અને પુરાવાની ગુણવત્તા’ પર પ્રશ્ન ઉઠાવતાં આ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસે તેના એક અન્ય રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2014 પછીથી ભ્રષ્ટાચારના કેસોમાં તપાસનો સામનો કરી રહેલા 25 વિપક્ષી નેતાઓ, જે બાદમાં ભાજપમાં સામેલ થઈ ગયા તેમાંના 23 વિરુદ્ધના આરોપો અથવા તો હટાવી દેવામાં આવ્યા હતા અથવા તેમના કેસોને અભરઇ ઉપર ચડાવી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા સુરજેવાલાએ સંસદમાં તેમના પ્રશ્નોના જવાબ મળ્યા પછી પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસોમાં વૃદ્ધિ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી.
તેમણે કહ્યું, ‘એનડીએ સરકાર હેઠળ છેલ્લા 5 વર્ષોમાં, 911 કેસ નોંધાયા, જ્યારે યુપીએ (સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન) સરકારના સમગ્ર 10 વર્ષોમાં, માત્ર 102 કેસ નોંધાયા હતા. આ ઈડીના સંપૂર્ણ દુરુપયોગને દર્શાવે છે.’
ગૌરતલબ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પહેલા રજૂ કરાયેલા આંકડાઓથી જાણવા મળ્યું હતું કે 2014 થી 2024 સુધી પીએમએલએ હેઠળ કુલ 5297 કેસ નોંધાયા છે. તેમાંના માત્ર 40 કેસોમાં સજા થઈ છે, અને ત્રણને છોડી મૂકવામાં આવ્યા છે.







