
Chhaava Movie MP: મરાઠા શાસક સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ ‘છાવા’ ફિલ્મ રિલીઝ થયા પછી ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 100કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. બુધવારે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. આ ફિલ્મ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ફિલ્મને રાજ્યભરમાં કરમુક્ત કરી છે.
ફિલ્મની પ્રશંસા કરતા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે, હું તેમના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ ‘છાવા’ પર કરમુક્તિની જાહેરાત કરું છું.” અગાઉ, મોહન યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શિવાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, “હિંદવી સ્વરાજ્યના સ્થાપક, વીર શિરોમણી અને રાષ્ટ્રીય નેતા છત્રપતિ શિવાજી મહારાજજીની જન્મજયંતિ પર હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે શિવાજી મહારાજજીની વફાદારી, સમર્પણ અને બલિદાન આપણને અનંતકાળ સુધી પ્રેરણા આપતા રહેશે.”
સંભાજીના રોલમાં વિક્કી કૌશલ
લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ‘છાવા’ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજ અને તેમની પત્ની મહારાણી યેસુબાઈ પર આધારિત છે. વિક્કી કૌશલે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજીનું પાત્ર ભજવ્યું છે. જ્યારે, અભિનેતા અક્ષય ખન્ના મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ, તેના ભવ્ય સેટ, વીરતાની વાર્તા અને શાનદાર કલાકારો સાથે, વિવાદોમાં પણ ઘેરાયેલી હતી. ફિલ્મના એ દ્રશ્ય સામે ઘણો વિરોધ થયો હતો જેમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહેલા વિક્કી કૌશલ, મહારાણી યેસુબાઈની ભૂમિકા ભજવતી રશ્મિકા મંડન્ના સાથે રાજ્યાભિષેક પછી નાચતા જોવા મળ્યા હતા.
વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ઓપનિંગ
રશ્મિકા મંદન્ના-વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની આખી ટીમ રિલીઝ પહેલા પ્રમોશનમાં વ્યસ્ત હતી. ઘૃષ્ણેશ્વર મંદિરમાં મહાદેવના દર્શનથી શરૂઆત કર્યા પછી, ‘છાવા’ની ટીમ કોલકાતા, પટના, સંભાજીનગર અને અમૃતસર જેવા દેશના મોટા શહેરોમાં ગઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ રહી છે. બીજા દિવસે, ફિલ્મને સપ્તાહના અંતે ફાયદો મળ્યો અને ત્રીજા દિવસે જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં જોડાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ
આ પણ વાંચોઃ Anand: શાળામાં કોપી કેસ થતાં પરિક્ષા કેન્દ્ર બંધ કરી દીધુ?, વાંચો વધુ
Chhatrapati Shivaji Maharaj: આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, પુત્ર સંભાજીનું કેવી રીતે થયું હતુ મોત?







