
- ઝાંગ ઝાને વુહાનમાં ડોક્યુમેન્ટરી બનાવીને ચીન સરકારની પોલ ખોલવાનો ગુનો કર્યો હતો.
- વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 અનુસાર ચીન 180 દેશો પૈકી 178માં સ્થાને આવે છે.
World News । જુઠ બોલો… બાર બાર બોલો… જોર જોર સે બોલો… જુઠ બોલો… ભારતના ગોદી મિડીયામાં હાલ આ સૂત્ર અત્યંત પ્રચલિત છે. અને સૂત્ર જ નહીં કદાચ એમના માટે આ જ એક માત્ર ગાઇડલાઈન છે એમ કહેવું પણ સ્હેજેય ખોટું નથી. ભારત જેવા લોકતાંત્રિક દેશમાં પત્રકારત્વ સાવ ખાડે લઇ જવામાં સ્વ-ઘોષિત મહામાનવનો બહુ મોટો અને મહત્વનો ફાળો છે. ભારતમાં આવી દશા હોય તો પછી ચીનમાં તો પત્રકારત્વ કરવું કેટલું મુશ્કેલ કાર્ય હશે? એ સમજી શકાય તેવી બાબત છે.
ચીનમાં જનહીતમાં સરકાર વિરોધી પત્રકારત્વ કરવું એ બહુ મોટો ગુનો બની ગયો છે. પત્રકારની આઝાદી એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025ની યાદીમાં વિશ્વના 180 દેશો પૈકી 178મું સ્થાન ધરાવતાં ચીનમાં પત્રકારોનો અવાજ રીતસરનો દબાવી દેવામાં આવે છે. હાલની સ્થિતિ અનુસાર લગભગ 124 મિડીયાકર્મીઓ ચીનની વિવિધ જેલોમાં બંધ છે. R.S.F. સંસ્થા તો ચીનને પત્રકારો માટેની વિશ્વની સૌથી મોટી જેલ ગણાવી રહ્યું છે.
42 વર્ષિય મહિલા પત્રકાર ઝાંગ ઝાન હાલ ચર્ચામાં છે. ઝાંગ ઝાને જ 2020માં કોરોના વાઇરસ અંગેની સાચી જાણકારી જાહેર કરી હતી. ઝાંગની વુહાન ડોક્યુમેન્ટ્રીમાં ઘણી ચોંકાવનારી વિગતો વિશ્વ સમક્ષ આવી હતી. વુહાનની હોસ્પિટલના દ્રશ્યો તેમજ સૂમસામ રસ્તાઓ પહેલીવાર તેના રિપોર્ટમાં જોવા મળ્યા હતાં. આ ડોક્યુમેન્ટ્રીને પગલે ચીન સરકારના સત્તાવાર વૃતાંતો સદંતર ખોટા અને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ધરાવતાં ના હોવાનું પુરવાર થયું હતું.
વુહાન ડોક્યુમેન્ટ્રી બનાવવાને કારણે ચીન સરકારે રાજ્ય પ્રશાસનના અનાદરનો આરોપ લગાડીને ઝાંગ ઝાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ મહિલા પત્રકાર પર અમાનવિય અત્યાચારો ગુજારવામાં આવ્યા હતાં. જેથી તેણીની ભૂખ હડતાળ પર ઉતરી ગઈ હતી. જોકે, તંત્રએ દબાણપૂર્વક તેના મોંઢામાં ટ્યુબ ઘુસાડીને ખાવાનું આપ્યું હતું.
માનવ અધિકાર જૂથો સહિતની સંસ્થાઓના પ્રયાસોને પગલે લગભગ ચાર વર્ષ સુધી જેલમાં પારાવાર યાતનાઓ ભોગવ્યા પછી મહિલા પત્રકાર ઝાંગ ઝાનને ગત મે માસમાં મુક્ત કરવામાં આવી હતી. જોકે, હાલ એવાં રિપોર્ટ સામે આવી રહ્યાં છે કે, જેલમાંથી મુક્ત કર્યાના થોડા મહિનાઓ બાદ જ ઝાંગ ઝાનની ફરી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેને શાંઘાઇના પુડોન્ગ અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
ચીનમાં માનવ અધિકારના ભંગ અંગે ઝાંગે વિદેશી વેબસાઇટ્સ પર આપેલાં નિવેદનો અને સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટને કારણે તેને ફરી સજા ફટકારવામાં આવી છે. માનવ અધિકાર સંસ્થાઓનું કહેવું છે કે, ઝાંગ ઝાન પરના આરોપો રાજનિતી પ્રેરિત છે અને તેનો આશય માત્રને માત્ર સ્વતંત્ર પત્રકારત્વનું મોં બંધ કરી દેવાનું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચીન સરકાર દ્વારા જાહેર આરોગ્ય અંગેના રિપોર્ટિંગને પોત્સાહન આપતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. પરંતુ, પત્રકારત્વના આરોગ્યની ચાવી સરકારે પોતાના ખિસ્સામાં રાખી છે એમ કહેવું સ્હેજેય ખોટું નથી.
આ પણ વાંચો:
Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ
Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર
Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત








