
- નેતાઓ પર EDના 193 કેસમાંથી માત્ર 2માં સજા; શું એજન્સી સત્તાનું હથિયાર બની ગઈ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વિપક્ષી પક્ષો લાંબા સમયથી ED પર સત્તાધારી પક્ષના ઈશારે કામ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે, અને હવે આંકડાઓ પણ આ દિશામાં ઈશારો કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ EDએ 193 કેસ નોંધ્યા, પરંતુ તેમાંથી માત્ર બે કેસમાં જ સજા થઈ. આ આંકડાઓ ખુદ મોદી સરકારે સંસદમાં રજૂ કર્યા છે.
આ માહિતી કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ એ.એ. રહીમના સવાલના જવાબમાં આપી હતી. આ આંકડાઓએ EDની કામગીરી અને તેની અસરકારકતા પર મોટા સવાલો ઉભા કર્યા છે. રાજકીય વર્તુળોમાં પણ આને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શું EDનો ઉપયોગ રાજનેતાઓને નિશાન બનાવવા માટે ખાસ હેતુથી થઈ રહ્યો છે? શું પુરાવા વિના કેસ બનાવવામાં આવે છે? અને શું EDનો સત્તા દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે?
સરકારે શું જણાવ્યું?
સંસદમાં આપેલી માહિતી મુજબ, છેલ્લા એક દાયકામાં EDએ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ વિરુદ્ધ 193 કેસ નોંધ્યા છે. આમાંથી માત્ર બે કેસમાં સજા થઈ, જે EDની ઓછી સફળતા દર્શાવે છે. આ ઉપરાંત, બાકીના કેસો લાંબા સમયથી પેન્ડિંગ છે અથવા તપાસના જુદા જુદા તબક્કામાં અટવાયેલા છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કેસ યોગ્યતાના આધારે રદ થયો નથી. આનો અર્થ એ થયો કે મોટા ભાગના કેસો હજુ પણ લટકતા જ છે. પરંતુ સવાલ એ છે કે શું આ કેસોની તપાસ અને પુરાવાઓમાં કમી છે, કે પછી તે માત્ર રાજકીય દબાણ બનીને રહી ગયા છે?
વિપક્ષનો આરોપ: ચૂંટણી પહેલાં દબાણ
વિપક્ષી પક્ષોનો આરોપ છે કે EDના કેસો લાંબા સમય સુધી દબાવી રાખવામાં આવે છે અને ચૂંટણીની નજીક આવતાં જ તેને સક્રિય કરી દેવાય છે. તાજેતરમાં જ બિહારના ‘જોબ ફોર લેન્ડ સ્કેમ’ કેસમાં લાલુ યાદવના પરિવારને EDએ સમન્સ પાઠવ્યું છે. બિહારમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી છે, અને RJDનો આરોપ છે કે આ બધું ચૂંટણીમાં લાભ લેવા અને નેતાઓની છબી ખરડવા માટે થઈ રહ્યું છે. આવા આરોપ વિપક્ષના દરેક પક્ષે સતત લગાવ્યા છે.
EDનું કહેવું છે કે તે ફક્ત નક્કર પુરાવાઓના આધારે કેસ નોંધે છે અને રાજકીય પક્ષપાત નથી કરતું. પરંતુ વિપક્ષનો દાવો છે કે આ એજન્સી હવે સત્તાધારી પક્ષનું રાજકીય હથિયાર બની ગઈ છે. આ આરોપને બળ ત્યારે મળે છે જ્યારે જોવા મળે છે કે 193માંથી 125 કેસ છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયા છે, એટલે કે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન.
સુપ્રીમ કોર્ટની ચિંતા
સુપ્રીમ કોર્ટે પણ EDની ઓછી સજા દર પર ચિંતા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલના કેસમાં કોર્ટે કહ્યું હતું કે PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળની ફરિયાદો અને ધરપકડના આંકડા ઘણા સવાલો ઉભા કરે છે. કોર્ટે ધરપકડ માટે એક સમાન નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચટર્જીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે EDનો સજા દર ખૂબ નબળો છે. કોર્ટે પૂછ્યું હતું કે એક આરોપીને કેટલા સમય સુધી સજા વિના હિરાસતમાં રાખી શકાય? છેલ્લા દસ વર્ષમાં 5,000 કેસમાંથી માત્ર 40માં સજા થઈ, જે EDની તપાસ અને કેસ લડવાની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે EDને મોટો ઝટકો આપ્યો હતો, જ્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે ED PMLA હેઠળ સીધી ધરપકડ કરી શકે નહીં. કોર્ટે ધરપકડના અધિકારોમાં ઘટાડો કરીને કહ્યું કે ખાસ અદાલતે ફરિયાદની નોંધ લીધા બાદ જ ધરપકડ થઈ શકે. EDને હવે ધરપકડ માટે ખાસ અદાલતની મંજૂરી લેવી પડશે, જે તેની કામગીરી પર નિયંત્રણ લાવે છે.
આંકડાઓ શું કહે છે?
સંસદમાં આપેલી તાજા આંકડા ફક્ત રાજકીય નેતાઓ સાથે જોડાયેલા કેસો પર કેન્દ્રિત છે. 2019-2024 દરમિયાન EDના કેસોમાં વધારો થયો, જેમાં સૌથી વધુ 32 કેસ 2022-23માં નોંધાયા. મંત્રીએ જણાવ્યું કે બે કેસમાં સજા થઈ છે. જેમાં એક 2016-17માં અને બીજી 2019-20માં સજા કરવામાં આવી છે.
રહીમે પૂછ્યું હતું કે શું તાજેતરના વર્ષોમાં વિપક્ષી નેતાઓ પર EDના કેસ વધ્યા છે, અને જો હા, તો તેનું કારણ શું? મંત્રીએ જવાબ આપ્યો કે આવી કોઈ માહિતી રાખવામાં આવી નથી.
એકંદરે આંકડાઓ છેલ્લા પાંચ વર્ષમાં 911 મની લોન્ડરિંગ કેસમાંથી 654ની સુનાવણી પૂરી થઈ, પરંતુ માત્ર 42માં સજા થઈ એટલે કે 6.42% સજાનો દર રહ્યો. રાજકીય નેતાઓના કેસમાં આ દર માત્ર 1%થી થોડો વધુ છે. આ તફાવત સવાલ ઉભો કરે છે કે શું EDની તપાસ અને કેસ લડવાની પ્રક્રિયામાં કમી છે, કે પછી આ કેસો રાજકીય દબાણમાં ઉતાવળે નોંધાય છે, જેમાં પુરાવા એકઠા કરવા મુશ્કેલ બને છે?
વિપક્ષનો હથિયાર, સરકારનો બચાવ
વિપક્ષે આ આંકડાઓને સરકાર વિરુદ્ધ હથિયાર બનાવ્યું છે. તેમનું કહેવું છે કે ઓછી સજા દર એ સાબિત કરે છે કે EDનો ઉપયોગ વિપક્ષી નેતાઓને હેરાન કરવા અને તેમની છબી ખરાબ કરવા માટે થાય છે, નહીં કે ગુનાઓને સજા આપવા માટે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોનો દાવો છે કે 2014 પછી EDના કેસમાં વિપક્ષી નેતાઓને નિશાન બનાવવાની સંખ્યા ચાર ગણી વધી છે. બીજી તરફ સરકાર અને BJPનું કહેવું છે કે ED સ્વતંત્ર રીતે કામ કરે છે અને તેની કાર્યવાહી કાયદાના દાયરામાં છે, જેની સમીક્ષા ખાસ અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી થાય છે.
શું થશે આગળ?
રાજકીય નેતાઓ વિરુદ્ધ EDનો અત્યંત ઓછો સજા દર ફક્ત તેની અસરકારકતા પર જ નહીં, પણ તેના હેતુ પર પણ સવાલ ઉભા કરે છે. મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ સામે લડવા માટે EDએ તેની રણનીતિ અને સંસાધનો પર ફરી વિચાર કરવો પડશે. સાથે જ આ મુદ્દો રાજકીય ચર્ચાને વધુ ગરમ કરે છે. શું ED ખરેખર ગુના રોકવા માટે કામ કરે છે, કે પછી તે સરકારના હાથમાં એક સાધન બની ગઈ છે?