
વડોદરામાં ઘરની બહાર હીંચકામાં રમતા 10 વર્ષના બાળકે ગળામાં પહેરેલી ટાઇ હીંચકામાં વીંટળાઇ જતા તેને ગળા ફાંસો લાગી ગયો હતો. પિતાને જાણ થતાં જ પુત્રને નીચે ઉતારી તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન બાળકનું મોત થઈ ગયું છે. એકનો એક દિકરો ગુમાવતાં પરિવારમાં ભારે આક્રંદ છે.
વડોદરામાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. શહેરના લક્કડપીઠા રોડ ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. તેમનો 10 વર્ષનો દીકરો રચિત ધો.5 માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે એક પ્રાઇવેટ ફંક્શનમાં તેઓ ગયા હતા. રાતે ઘરે પરત આવ્યા પછી રચિત ઘરની બહાર મૂકેલા હીંચકા પર રમતો હતો.
બૂમાબૂમ થતાં તેના પિતા ઘરની બહાર જોવા નીકળ્યા, ત્યારે હિંચકામાં ટાઈ ભરાઈ જતાં ગળે ફાંસો લાગેલો હતો. ત્યા તેમણે તરત જ પુત્રને નીચે ઉતાર્યો હતો અને માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે પુત્રનું સારવાર દરમિાયન પ્રાણ પંખીડું ઉડી ગયું. એકના એક દીકરાના મોતના પગલે માતાપિતા દુઃખનો પહાડ તૂટ્યો છે. બનાવ અંગે નવાપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાના વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બાળકોના માતાપિતા ડરી ગયા છે. હાલ આ ઘટનાને લઈ વિસ્તારમાં ગમગીનતા છવાઈ ગઈ છે.