
Devayat Khavad case: ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના 6 સાગરિતોએ મધરાતે 2 વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા અને લૂંટના ગંભીર કેસ સાથે સંકળાયેલી છે. તાલાલા પોલીસે આ મામલે જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી.
દેવાયત ખવડે કર્યું સરેન્ડર
સેશન્સ કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન રદ કરી તપાસ માટે 7 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. આરોપીઓ સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ, અને આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ઘટના પાછળ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છ મહિના પહેલા ડાયરાના કાર્યક્રમને લઈને થયેલી જૂની માથાકૂટનું કારણ હોવાનું મનાય છે.
આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર
પોલીસે જણાવ્યું કે, સરેન્ડર બાદ આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સવારે તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, અને મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે. આ ઘટનાએ ગીર સોમનાથ જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે, અને પોલીસની આગળની તપાસથી આ કેસમાં નવા ખુલાસા થવાની સંભાવના છે.
વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા હતા રદ
નીચલી કોર્ટે આ કેસમાં ખવડ સહિત 15 આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો રજૂ કરી, અને કોર્ટે આદેશ આપ્યો કે ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કરવામાં આવે. જેથી દેવાયત અને તેના સાગરિતો પાસે સરેન્ડર કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો
શું હતો મામલો ?
20 ફેબ્રુઆરી, 2025ના રોજ સનાથલમાં એક ડાયરાના કાર્યક્રમમાં ખવડની કાર પર હુમલો થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહ અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ, ભગવતસિંહ ચૌહાણે ખવડ સામે 8 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ બંને ઘટનાઓએ બંને જૂથો વચ્ચે વૈર વધાર્યું.
ખવડનો રાજકોટના બિલ્ડર મયૂરસિંહ રાણા સાથે પણ જૂનો વિવાદ છે. નવેમ્બર 2021માં કાર પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો, જે પછી સમાજના મોભીઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે, બાદમાં રાણા પર ખવડે હુમલો કર્યો હતો, જેમાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને પછી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ









