
આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પરથી પોલીસે 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ના લખાણવાળી રુપિયા 500ના દરની કુલ 3400 નોટો સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. અને અત્યાર સુધીમાં કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો હોવાની તારાપુર પોલીસને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસે 27 ડિસેમ્બરની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી રાખી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતી દેખાતાં રોકી હતી. જેમાં કુલ 4 ઈસમો સવાર હતા. જેમની પુછપરછ કરતાં પોતાના નામ પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમ હોવાનું જણાવ્યું હતું.
50 લાખ આપી 1 કરોડની નકલી નોટો ખરીદી
તેમની ગાડીની ડેકીમાં તપાસ કરતા બોક્સમાંથી રુપિયા 500ના દરની કુલ 17 લાખની નોટ મળી આવી હતી. પોલીસે ધ્યાનપૂર્વક જોતા ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું. આ ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા વાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી, તે પહેલા જ તારાપુર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડની નકલી નોટો ખરીદીને લોકોને પધરાવવાનો પ્લાન હતો પણ તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપીને લઈને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. પકડાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ તારાપુરના છે, જ્યારે બીજા આરોપીઓ ગોધરા, તાલાળાના રહેવાસી છે.
વધુ તાપસ અર્થે તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી બ્રાન્ચને સોંપ્યા છે.