
BZ પોન્ઝી સ્કીમના મહાઠગની ગઈકાલે મહેસાણામાંથી ધરપકડ કરાઈ હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ભૂપેન્દ્ર ઝાલાનું મેડિકલ કરાવ્યા ત્યારે આજે તેને મેજસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયો હતો. હવે પછી અમદાવાદના નારણપુરાની જીપીઆઇડી (ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર) કોર્ટમાં ભૂપેન્દ્ર ઝાલાને રજૂ કરાશે. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે. તે છેલ્લા એક મહિનાથી ફરાર હતો. ત્યારે ગઈરકાલે CID ક્રાઈમ બ્રાંચે તેને મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝડપી પાડ્યો હતો. તેને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરી આપવાની લાલચ આપી અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6 હજાર કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે. આ કૌભાંડ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકો સાથે પણ કનેક્શન ધરાવે છે.