
ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન સ્થળોને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 25-25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ અને નળ સરોવર ખાતે આવે છે. રાજ્યના વધુ બે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે આર્કિટેકની નિમણુક કરવામાં આવી છે અને નિર્માણ કાર્ય શરૂ છે.
અમદાવાદ જિલ્લાના નળ સરોવર અને મહેસાણા જિલ્લાના થોળ સરોવરના વિકાસના કામને લઈને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના પ્રવાસન સ્થળો થોળ અને નળ સરોવરને વિકસાવવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે અને આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામની કામગીરી શરૂ છે.’
મહેસાણાના કડી તાલુકાના થોળ ગામ ખાતે થોળ સરોવર આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ ખાતે આવે છે. જ્યારે અમદાવાદના સાણંદ અને વિરમગામ નજીક આવેલા નળ સરોવર ખાતે પણ દેશ-વિદેશના પક્ષીઓ આવે છે.







