
Reliance will not buy crude from Russia: ટ્રમ્પ વારંવાર દુનિયામાં કહેતા હતા કે ‘મને મારા મિત્રએ (મોદી)એ મને ખાત્રી આપી છે કે “અમે હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદીએ!”
જોકે,ટ્રમ્પના નિવેદનનો ભારત સતત ઇન્કાર કરી રહ્યું હતું કે એવી કોઈ વાત થઈ નથી જેતે સમયે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટતા પણ કરી હતી કે બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.MEA એ ભારપૂર્વક કહ્યું કે ભારતની ઊર્જા નીતિ માત્ર રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.જોકે, હવે જે પ્રમાણે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે તેમાં હવે રશિયા પાસેથી ક્રૂડઑઇલની ખરીદી ઘટી છે અને લગભગ બંધ થવા ઉપર છે. આ બધા વચ્ચે લેટેસ્ટ અહેવાલો એ છે કે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ ગુજરાતના જામનગર ખાતે આવેલી રિફાઇનરી માટે રશિયાથી આયાત થતા ક્રૂડઑઇલના મોટા જથ્થાની ખરીદી બંધ કરી દીધી છે.
આ માટેના કારણમાં રિલાયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આગામી તા.21 જાન્યુઆરી, 2026થી ઉત્પાદનો ઉપર આયાત પ્રતિબંધ લાગુ થશે, તેનું પાલન કરવા માટે અમે અગાઉથી જ નિર્ધારિત સમય પહેલાં જ આ ફેરફાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયાની અગ્રણી ઑઇલ કંપનીઓ રોસનેફ્ટ તથા લુકોઇલ ઉપર પ્રતિબંધ લાદ્યા હતા, જે શુક્રવારથી લાગુ થઈ ચુક્યા છે. આ માટે પણ રિલાયન્સે આ પગલું લીધું હોવાનું મનાય છે.અલબત્ત,વ્હાઇટ હાઉસે રિલાયન્સનાં પગલાંની નોંધ લીધી છે અને વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે “અમે આ પરિવર્તનને આવકારીએ છીએ અને અમેરિકા-ભારત વેપારસંવાદમાં સાર્થક પ્રગતિની આશા રાખીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાત સામે માંડ અઢી ટકા જેટલી આયાત કરતું હતું.જોકે, રશિયન ક્રૂડઑઇલ સસ્તું પડતું હોવાથી વર્ષ 2024-’25 દરમિયાન આ ખરીદી વધી ગઈ હતી અને 35.8 ટકા સુધી પહોંચી ગઈ હતી જેમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયન ક્રૂડઑઇલની સૌથી મોટી આયાતકર્તા બની ગઈ હતી દેશમાં રશિયન ક્રૂડઑઇલની આયાતમાં અડધો હિસ્સો રિલાયન્સ જ આયાત કરતું હતુ.
ગુજરાતના જામનગર ખાતે આવેલ રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું ‘સિંગલ-સાઇટ કૉમ્પ્લેક્સ’ ધરાવે છે જેમાં નિકાસ તથા ઘરેલુ બજાર માટે એમ બે જુદા જુદા એકમ આવેલા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીમાં ક્રૂડઑઇલને રિફાઇન કરીને અનેક દેશોમાં નિકાસ થતી હતી.
ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયન ઑઇલ તથા હથિયાર ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. ભારતે આ આરોપોને નકાર્યા હતા રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાને કારણે ભારત અને અમેરિકા વચ્ચેની વેપારમંત્રણા માટે ગંભીર અવરોધ ઊભા થયા હતા પણ હવે ભારતની મોટા ભાગની રિફાઇનરીઓ દ્વારા ડિસેમ્બર મહિના માટેનો રશિયન ક્રૂડઑઇલ ખરીદવાનો કરાર ટાળ્યું છે તેમાંય રિલાયન્સે પ્રતિબંધિત રશિયન કંપનીઓના ઑર્ડરમાં 13 ટકા ઘટાડો કર્યો છે.જ્યારે ઑક્ટોબર મહિના દરમિયાન સાઉદી અરેબિયાથી થતી આયાતમાં 87 ટકા અને ઇરાકથી થતી આયાતમાં 31 ટકાનો વધારો કર્યો છે.
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ મહિનાથી ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદ્યા છે,જેમાં રશિયન ક્રૂડઑઇલ તથા રશિયાના હથિયાર ખરીદવા માટે 25 ટકા ટેરિફ પણ સામેલ છે.આમ,અમેરિકાના ભારે દબાણ બાદ રશિયા સાથેના ભારતના વેપાર ઉપર અસર થઈ છે અને ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરીને અન્ય વિકલ્પ શોધી કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે








