
International Literacy Day 2026: શિક્ષણને વ્યક્તિના વિકાસથી લઈને સમગ્ર સમાજની પ્રગતિ સુધીનો મહત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે. શિક્ષણ માત્ર વાંચવા-લખવાની ક્ષમતા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિને યોગ્ય રીતે વિચારવા, નિર્ણય લેવા અને જીવનમાં આગળ વધવાની દિશા પણ આપે છે. શિક્ષિત સમાજમાં રોજગારી અને વિકાસની તકો વધવાની શક્યતા રહે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે ભારત સહિત વિશ્વમાં સાક્ષરતાની સ્થિતિ પર નજર કરીએ.
વિશ્વ સાક્ષરતા દિવસનો ઇતિહાસ
વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સાક્ષરતાના મહત્વ અને દરેક વ્યક્તિના શિક્ષણના અધિકાર અંગે જાગૃતિ ફેલાવવાનો છે. UNESCOએ 1966માં દર વર્ષે 8 સપ્ટેમ્બરને ઇન્ટરનેશનલ લિટરેસી ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને 1967થી તેની ઉજવણી શરૂ થઈ હતી. 2026ની થીમ ‘Literacy for People, the Planet and Prosperity’ એટલે કે લોકો, ધરતી અને સમૃદ્ધિ માટે સાક્ષરતા છે.
દુનિયામાં હજુ 73.9 કરોડ લોકો અભણ
વિશ્વમાં લગભગ છ દાયકાથી સાક્ષરતા દિવસ ઉજવાઈ રહ્યો હોવા છતાં કરોડો લોકો આજે પણ મૂળભૂત રીતે વાંચી-લખી શકતા નથી. UNESCO Institute for Statistics (UIS)ના આંકડા અનુસાર, વિશ્વમાં પુખ્ત વયના લોકોનો સાક્ષરતા દર આશરે 88 ટકા છે, જ્યારે 15થી 24 વર્ષની વયજૂથમાં સાક્ષરતા દર લગભગ 93 ટકા છે.
1950માં દુનિયાના આશરે 56 ટકા યુવાનો સાક્ષર હતા, જે 1980 સુધીમાં વધીને લગભગ 70 ટકા થયા હતા. તેમ છતાં આજે પણ અંદાજે 73.9 કરોડ યુવાનો અને પુખ્ત વયના લોકો મૂળભૂત સાક્ષરતાથી વંચિત છે. આમાં લગભગ બે તૃતીયાંશ મહિલાઓ છે. આ આંકડા દર્શાવે છે કે શિક્ષણ સુધી પહોંચ વધારવાની સાથે લિંગ આધારિત અસમાનતા દૂર કરવી પણ જરૂરી છે.
UISના ડેટા મુજબ, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની ઉંમરે પહોંચેલા માત્ર આશરે અડધા બાળકો જ વાંચનમાં ન્યૂનતમ દક્ષતા હાંસલ કરી શકે છે. વૈશ્વિક સ્તરે 62 ટકા યુવાનો અપર સેકન્ડરી શિક્ષણ પૂર્ણ કરે છે, જ્યારે સબ-સહારા આફ્રિકામાં આ પ્રમાણ માત્ર 29 ટકા છે.
ભારતમાં 2 કરોડ બાળકો શાળાથી બહાર
ભારતમાં પણ શિક્ષણની પહોંચ અને શાળામાં બાળકોની હાજરીને લઈને પડકારો હજુ યથાવત છે. નીતિ આયોગના PLFS 2023-24ના અહેવાલ અનુસાર, 14થી 18 વર્ષની ઉંમરના આશરે 2 કરોડ બાળકો શાળામાં અભ્યાસ કરતા નથી. ધોરણ 3થી 8ના આશરે 11 ટકા બાળકો શાળાની બહાર છે. દર વર્ષે 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં નાપાસ થતા હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ છે.
બિહાર, નાગાલેન્ડ, મેઘાલય અને આસામમાં શાળાથી બહાર રહેલા બાળકોની સંખ્યા વધુ હોવાનું જણાવાયું છે. દેશમાં આશરે 7,993 શાળાઓ એવી છે જ્યાં એક પણ નવા વિદ્યાર્થીનું એડમિશન થયું નથી. તેમાં પશ્ચિમ બંગાળની 3,812 અને તેલંગાણાની 2,245 શાળાઓનો સમાવેશ થાય છે.
સેકન્ડરી લેવલે ડ્રોપઆઉટ મોટો પડકાર
નીતિ આયોગના અહેવાલ પ્રમાણે શાળા છોડવાનો સૌથી ઊંચો દર સેકન્ડરી લેવલ પર જોવા મળે છે. પ્રાઇમરી લેવલ એટલે ધોરણ 1થી 5માં ડ્રોપઆઉટ દર 0.3 ટકા છે. અપર પ્રાઇમરી એટલે ધોરણ 6થી 8માં તે 3.5 ટકા છે, જ્યારે સેકન્ડરી લેવલ એટલે ધોરણ 9 અને 10માં આ દર 11.5 ટકા છે. એટલે કે સેકન્ડરી સ્તરે આશરે 10માંથી એક બાળક અભ્યાસ છોડી દે છે.
ભારતનો સાક્ષરતા દર 80.9 ટકા
નીતિ આયોગના ‘Reimagining Skilling for Viksit Bharat@2047’ અહેવાલમાં દેશની શિક્ષણ અને કૌશલ્યની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ 2021માં હાથ ધરાયેલા નેશનલ સેમ્પલ સર્વેના 78મા રાઉન્ડના ડેટા પર આધારિત છે. અહેવાલ અનુસાર ભારતમાં આશરે 29.1 કરોડ લોકો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પ્રી-સ્કૂલથી ક્લાસ 2 સુધી 5.3 કરોડ, ક્લાસ 2થી 5 સુધી 6.7 કરોડ, ક્લાસ 6થી 8 સુધી 6.3 કરોડ, ક્લાસ 9થી 12 સુધી 6.4 કરોડ અને હાયર એજ્યુકેશનમાં 4.46 કરોડ વિદ્યાર્થીઓ સામેલ છે.
PLFSના આંકડા અનુસાર ભારતમાં સાક્ષરતા દર 80.9 ટકા સુધી પહોંચ્યો છે. શહેરી વિસ્તારોમાં સાક્ષરતા દર આશરે 90 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 77 ટકા છે. લિંગ પ્રમાણે જોવામાં આવે તો પુરુષોનો સાક્ષરતા દર 87.2 ટકા અને મહિલાઓનો 74.6 ટકા છે. 2021માં દેશનો સાક્ષરતા દર 79.6 ટકા હતો.
2030 સુધી 100 ટકા GERનું લક્ષ્ય
કેન્દ્ર સરકાર શાળાથી બહાર રહેલા અને અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને ઓળખી તેમને ફરી શિક્ષણ સાથે જોડવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે. શિક્ષણ મંત્રાલય હેઠળનું School Education and Literacy વિભાગ આ અભિયાન પર કામ કરી રહ્યું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં 2030 સુધી પ્રી-સ્કૂલથી સેકન્ડરી લેવલ સુધી 100 ટકા Gross Enrolment Ratio (GER) હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ‘વિકસિત ભારત 2047’ અને ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને સાક્ષરતા સાથે શાળામાં બાળકોની સતત હાજરી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મહત્વપૂર્ણ રહેશે.







