
Iran: અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે ઇરાને પણ ઈઝરાયેલની કેટલીક દુઃખતી નસો દબાવવાનું શરૂ કર્યું છે.ઈરાને ઈઝરાયલને કડક ચેતવણી આપી છે કે તેઓ હવે ન્યુક્લિયર પ્લાન્ટને ટાર્ગેટ કરી શકે છે જેના પરિણામો ગંભીર આવી શકે છે.એક ઈરાની સૈન્ય અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે તો ઈરાન ગમેત્યારે ઈઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટરને નિશાન બનાવી શકે છે.ઈરાની ન્યૂઝ એજન્સી ISNA અનુસાર, અધિકારીએ કહ્યું કે આવા કોઈ પણ પ્રયાસના કિસ્સામાં દક્ષિણ ઇઝરાયલમાં સ્થિત આ પરમાણુ કેન્દ્ર પર હુમલો કરી શકે છે.
બીજી તરફ ઇરાનના હુમલાઓ વચ્ચે કતારે લોકોને અમેરિકી દૂતાવાસથી દૂર રહેવા જણાવ્યું છે અને સલામત અન્ય સ્થળે ખસેડવામાં આવી રહયા છે.ઈરાનની રાજધાની તેહરાનમાં ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા એક કલાકમાં તેહરાનમાં ઘણા ધમાકા થયા છે. આ ઉપરાંત પશ્ચિમ ઈરાનના શહેર સનંદજ (કુર્દિસ્તાન પ્રાંત)માં પણ ધમાકા થયાના અહેવાલ છે.
બીજી તરફ ઈરાકના અગ્રણી શિયા ધર્મગુરુ ગ્રાન્ડ અયાતુલ્લા અલી અલ-સિસ્તાનીએ ઈરાન વિરુદ્ધ સૈન્ય હુમલાની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય હોવા છતાં કોઈપણ દેશ પર સંયુક્ત રાષ્ટ્રની પરવાનગી વિના હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.સિસ્તાનીએ ચેતવણી આપી કે આવા હુમલાઓ માત્ર આંતરરાષ્ટ્રીય ધોરણોને જ તોડતા નથી પરંતુ ચોક્કસ સમાજ માટે ખતરનાક દાખલો પણ બેસાડે છે,જેના લાંબા ગાળા સુધી ભયાનક પરિણામો આવી શકે છે.
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધમાં કુલ 1,045 લોકોના મોત થયાનું અલ જઝીરાના અહેવાલોમાં જણાવાયું છે.આમ,ઈરાન યુદ્ધમાં ઇરાને પણ હવે વળતી ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે અને ખાસ પ્રકારની મિસાઇલ તેઓ યોગ્ય સમયે વાપરશે તેવી પણ ચીમકી આપી છે.







