
Israeli force killed Palestinians: મંગળવારે(24 જૂન, 2025) વહેલી સવારે મધ્ય ગાઝામાં ભોજન લઈને આવતી ટ્રકને વાટ જોઈને ઉભેલા લોકો પર ઈઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો. જેમાં 25 જેટલાં પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા. જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલી સેનાએ ડ્રોન અને ગોળીબાર કરી હુમલો કર્યો હતો. જેથી ગાઝાના લોકોની હાલત બત્તર થઈ ગઈ છે.
ઇઝરાયલી સૈન્યએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. નુસીરાત શરણાર્થી શિબિરમાં આવેલી અવદા હોસ્પિટલે જણાવ્યું હતું કે ગાઝાની દક્ષિણમાં સલાહ અલ-દિન રોડ પર પેલેસ્ટિનિયનો ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. હુમલામાં ઘાયલ થયેલા લોકોને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જ્યારે લોકો મદદ લઈને આવતી ટ્રકો તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે ઇઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો હતો. એક પ્રત્યક્ષદર્શી અહેમદ હલાવાએ કહ્યું, ‘તે એક હત્યાકાંડ હતો.’ તેમણે કહ્યું કે ટેન્ક અને ડ્રોનથી લોકો પર ગોળીબાર થયો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શી હુસમ અબુ શહાદાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં ડ્રોન ઉડતા હતા. પહેલા તેઓએ ભીડ પર નજર રાખી અને પછી જ્યારે લોકો આગળ વધ્યા, ત્યારે તેઓએ ટેન્ક અને ડ્રોનથી ગોળીબાર કર્યો.
મૃતકોની સંખ્યા વધી શકે
અવદા હોસ્પિટલે જણાવ્યું હતું કે 146 પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. તેમાંથી 62 લોકોની હાલત ગંભીર છે, જેમને મધ્ય ગાઝાની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મધ્ય શહેર દેઇર અલ-બલાહની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે તેમને આ ઘટનામાં માર્યા ગયેલા છ લોકોના મૃતદેહ મળ્યા છે.
ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલય અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધી લગભગ 56,000 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ ઇઝરાયલે ગાઝામાં પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું. હમાસના હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 551 અન્ય લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના બંધકોને યુદ્ધવિરામ કરાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે.