
ભાણવડમાં તમામ AAPઉમેદવારોના ફોર્મ રદ્દ
મૂળુ બેરાના પુત્ર પર ગંભીર આક્ષેપ
ભાજપને વોટ આપશો તો તમારા વંશજને ખતમ કરી નાખશે: ઈસુદાન
Isudan Gadhvi Accusation: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઈ રસાકસી જામી છે. ગુજરાતમાં ચૂંટણી ફોર્મ ભરાવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જો કે આ વચ્ચે AAPના 8 ઉમેદવારના ફોર્મ રદ્દ કરતાં ભારે હોબાળો મચ્યો છે. ઈસુદાન કઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ROને ધકાવી મુળુ બેરાના પુત્રએ ફોર્મ રદ્દ કરાવ્યાના આરોપ લગવ્યા છે. જેથી રાજકીય ક્ષેત્રે વધુ ગરમાવો આવી ગયો છે. ઈસુદાને ભાજપ પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં પણ ગરબડ કરી છે. ભાજપ અને ચૂંટણી આયોગના કેટલાક લોકો મળીને કામ કરે છે.
ભાજપ પર ઈસુદાનના આકરા પ્રહાર
ઈસુદાને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું ભાણવડમાં ભાજપ ઈચ્છી રહ્યું હતું કે કોઈપણ રીતે તેના વિરોધમાં કોઈ ઉમેદવારો ઊભા ના કરે. તેમને ખ્યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી તો તેમને કોંગ્રેસના લોકોને જોઈન્ટ કરાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવ્યા અને ધમકાવ્યા. હું કોઈ એક વ્યક્તિ પર ક્યારેય પર્સનલ આરોપ લગાવતો નથી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક મંત્રીના દબાણમાં આવી એક રીટર્નિંગ ઓફિસરે (RO) સદંતર લોકતંત્રની હત્યા કરી છે.
મૂળુભાઈના પુત્રએ ફોર્મ રદ્દ કરાવ્યાં
ઈસુદાને મંત્રી મૂળુ બેરાના પુત્ર પર આરોપ લગાવતાં કહ્યું ભાણવડમાં મંત્રીના પુત્રએ ત્યાં જઈને ROને ડરાવ્યા. જેના કારણે RO પી.એ.ગોહિલે અમારા ઉમેદવારો ઓફિસ છોડી ગયા તેના બાદ ફોર્મમાં વાંધો કઢાવી ફોર્મને રદ કરવામાં આવ્યા. બીજી નગરપાલિકાઓમાં ROએ જે રીતે ખુલાસા માંગ્યા શું ભાણવડના RO તેવા ખુલાસા ન હતા? તેનો મતલબ સ્પષ્ટ છે કે તમામ આઠ ઉમેદવારના ફોર્મ મંત્રીના દબાણના કારણે રદ થયા છે.
વાંધા અરજીના રેકોર્ડિંગ અંગે સવાલ
આ ઘટના બાદ મેં પોતે RO સાથે વાત કરી અને પૂછ્યું કે શું તમારી પાસે રેકોર્ડિંગ છે? કારણ કે વાંધા અરજીનું રેકોર્ડિંગ કરવાનું હોય. વાંધાઅરજી આપવાની અને જવાબ લેવાની જે પણ કામગીરી કરવાની હતી, તે કોઈ કામગીરી કરવામાં આવી નથી અને તેમણે લેખિતમાં લખ્યું છે કે વાંધાઅરજીનો નાશ પણ કરવામાં આવ્યો છે. વધુ એક બહેન જેમણે ઉમેદવારી પત્ર કર્યું હતું અને તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, તો ગઈકાલે રાત્રે તેમનું ઘર ખાલી કરાવ્યું. મારું માનવું એમ છે કે 66 નગરપાલિકાઓમાં શા માટે ચૂંટણી જાહેર કરી છે? જો તમે લોકો રાજાશાહીમાં જ માનતા હોય તો ચૂંટણી શા માટે જાહેર કરો છો? આમ પણ બે વર્ષથી તમે ચૂંટણી થવા દીધી નથી.
હાઈકોર્ટ અને ચૂંટણી આયોગમાં જઈશઃ ઈસુદાન
આ મામલે અમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છીએ અને ચૂંટણી આયોગમાં પણ હું ફરિયાદ કરવા જઈ રહ્યો છું. અમારું સ્પષ્ટ પણે માનવું છે કે ધાક ધમકીઓ આપીને દબાણ કરીને એક ગુનાહિત કામ કરવામાં આવ્યું છે. હું ગુજરાતની જનતાને અને ખાસ કરીને ભાણવડની જનતાને કહેવા માંગીશ કે ભાજપ બિનહરીફ બનીને ગેરકાયદેસર રીતે જીતવા માંગે છે અને આ ભાજપના લોકો કંસના વંશજ છે. આ લોકો કોઈના સગા નથી અને ફક્ત પ્રાઇવેટ કંપનીની જેમ પોતાની પાર્ટી ચલાવે છે. તો જો તમે ક્યારેય પણ ભાજપના બટનને દબાવતા નહીં અને જો દબાવશો તો તમે કંસને મજબુત કરશો અને તે લોકો તમારા અને મારા વંશને ખતમ કરી નાખશે અને લોકતંત્રને ખતમ કરી નાખશે.