
Kheda: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રામ મોકરિયાના વિવાદ હજું શમ્યો નથી ત્યાં ખેડા જિલ્લાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયા પર એક પત્ર જાહેર કરીને પાર્ટીની સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. આ પત્રે ખેડા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે અને ભાજપની અંદર ચાલી રહેલા જૂથવાદની ચર્ચાઓને વેગ આપ્યો છે.
કનુ ડાભીએ પત્રમાં શું લખ્યું?
કનુ ડાભીએ પોતાના પત્રમાં ભાજપની અંદરની કામગીરી અને નેતૃત્વ પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને કાર્યકરોને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે દાયકાઓથી ભાજપ માટે મહેનત કરનારા જૂના કાર્યકરોની અવગણના થાય છે. તેમણે ખાસ જણાવ્યું કે, વિકાસના કામોમાં જૂના કાર્યકરોની અભિપ્રાયોને મહત્વ આપવામાં આવતું નથી, જેના કારણે તેઓ અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે.
કનુભાઈ ડાભીએ પોતાના પત્રમાં એમ પણ ઉલ્લેખ કર્યો છે કે, પદની ગરિમા અને સન્માન ન મળવાથી તેઓ નિરાશ થયા છે. આ પત્ર સોશિયલ મીડિયા પર જાહેર થતાં જ રાજકીય ગરમાવો શરૂ થયો છે, ખાસ કરીને અમુલ ડેરીની ચૂંટણીઓની પૂર્વસંધ્યાએ આ પત્રે ભાજપની અંદરના જૂથવાદને ઉજાગર કર્યો છે.
20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા કનુભાઈ ડાભી
કનુભાઈ ડાભી છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે અને કઠલાલ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું છે, પરંતુ હવે તેમનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમણે પોતાના પત્રમાં એવો દાવો કર્યો છે કે, ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થઈ રહી છે, જેના કારણે પાર્ટીના આંતરિક માળખામાં અસંતોષ વધી રહ્યો છે.
ખેડા જિલ્લામાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ
કનુભાઈ ડાભીના આ પત્રથી ખેડા જિલ્લામાં ભાજપની અંદર ચાલી રહેલો જૂથવાદ ખુલ્લો પડી ગયો છે. અમુલ ડેરીની ચૂંટણીઓ નજીક આવી રહી છે, અને આ સમયે આવો ખુલાસો ભાજપ માટે નવો પડકાર ઊભો કરી શકે છે. જિલ્લામાં ભાજપના કેટલાક જૂના કાર્યકરો પણ કનુભાઈના આક્ષેપો સાથે સહમત હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે પાર્ટીની એકતા માટે ચિંતાનો વિષય બની શકે છે.
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાથમિકતાની નિતી ભાજપને પડી શકે છે ભારે
આ પત્રથી ભાજપની અંદર નેતૃત્વની નીતિઓ પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પ્રાથમિકતા આપવાની નીતિ ભાજપના મૂળ કાર્યકરોમાં અસંતોષ પેદા કરી રહી છે. આ પરિસ્થિતિ ભાજપની આગામી ચૂંટણીઓની રણનીતિ અને સ્થાનિક સ્તરે પાર્ટીની લોકપ્રિયતા પર અસર કરી શકે છે.
ભાજપ કેવી રીતે ઉભરાને કરશે શાંત?
ખેડા જિલ્લામાં ભાજપની અંદરનો આ વિવાદ એક મોટો મુદ્દો બની ગયો છે. કનુભાઈ ડાભીના આ પત્રથી પાર્ટીના જૂના કાર્યકરોની નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે, જે ભાજપના નેતૃત્વ માટે ચેતવણીરૂપ બની શકે છે. જો આ મુદ્દાને સમયસર ઉકેલવામાં નહીં આવે તો, આવનારા સમયમાં ભાજપની આંતરિક એકતા અને ચૂંટણીઓમાં પ્રદર્શન પર ગંભીર અસર પડી શકે છે. હવે ભાજપનું નેતૃત્વ આ મુદ્દાને કેવી રીતે હેન્ડલ કરે છે, તેના પર ખેડા જિલ્લાનું રાજકીય ભાવિ અને પાર્ટીની એકતા નિર્ભર રહેશે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!