
Manipur Violence: મણિપુરમાં નવી સરકારની રચના બાદ રાજ્યમાં જાતિ આધારિત હિંસાએ નવો વળાંક લીધો છે. મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે 4 ફેબ્રુઆરીએ સત્તા સંભાળ્યા બાદથી કુકી-જો અને નાગા સમુદાયો વચ્ચે થયેલી અલગ-અલગ હિંસક ઘટનાઓમાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘરો સળગાવવામાં આવ્યા છે. તાજેતરમાં 15 સપ્ટેમ્બરે લેઇસાંગફાઈ ગામમાં બે કુકી મહિલાઓને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હત્યા કરી હતી.
નવી સરકાર બાદ કુકી-જો અને નાગા વચ્ચે સંઘર્ષ
એન. બીરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં લગભગ એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. ત્યારબાદ યુમનામ ખેમચંદ સિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મે 2023થી ચાલતા સંઘર્ષમાં અત્યાર સુધી મુખ્યત્વે કુકી-જો અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા જોવા મળી હતી, પરંતુ નવી સરકાર બન્યા બાદ કુકી-જો અને નાગા સમુદાયો વચ્ચે પણ અથડામણો વધી છે.
સરકાર રચાયાના માત્ર ત્રણ દિવસ બાદ 7 ફેબ્રુઆરીએ ઉખરુલ જિલ્લાના લિતાન સારેંખોંગ વિસ્તારમાં પ્રથમ મોટી ઘટના બની. કુકી-જો સમુદાયના કેટલાક લોકોએ કથિત રીતે એક તાંગખુલ વ્યક્તિ સાથે મારપીટ કરી હતી. બીજા દિવસે નાગા ગામોના લોકો લિતાન સારેંખોંગના ગામના વડા પાસે પહોંચ્યા અને આરોપીઓને તેમની સામે રજૂ કરવાની માંગ કરી. ત્યારબાદ પથ્થરમારો થયો, જેમાં પોલીસ અધિકારી સહિત કેટલાક લોકો ઘાયલ થયા. બાદમાં આગચંપી અને ગોળીબારની ઘટના બની.
8 અને 9 ફેબ્રુઆરીએ બંને સમુદાયો વચ્ચે ઘરો સળગાવવાની ઘટનાઓ બની. ઉખરુલના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ દાસે જણાવ્યું હતું કે વહેલી સવાર પહેલાં બંને પક્ષોએ પાંચથી છ ઘરો સળગાવ્યા હતા. તેજ પવનને કારણે આગ ફેલાઈ અને કુલ 20 જેટલા ઘર તેની ઝપેટમાં આવ્યા.
બૉમ્બ હુમલા બાદ ઇમ્ફાલ ખીણમાં વિરોધ
7 એપ્રિલે બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં એક ઘરમાં બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. રાત્રે લગભગ 1 વાગ્યે બનેલી આ ઘટનામાં પાંચ વર્ષના બાળક અને છ મહિનાની બાળકીનાં મોત થયા, જ્યારે તેમની માતા ઘાયલ થઈ હતી.
આ ઘટના બાદ ઇમ્ફાલ ખીણના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા. ટ્રોંગલાઓબી નજીક એક ટોળાએ CRPF જવાનો પર હુમલો કર્યો અને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ પોલીસ ફાયરિંગમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા અને આશરે 30 લોકો ઘાયલ થયા.
ચર્ચ નેતાઓની હત્યા બાદ બંધક બનાવવાની ઘટનાઓ
13 મેના રોજ ચુરાચાંદપુરથી કાંગપોકપી જઈ રહેલા કુકી સમુદાયના ત્રણ ચર્ચ નેતાઓ અને તેમના ડ્રાઇવર પર ઘાત લગાવી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ચારેયની હત્યા થઈ હતી. આ હુમલામાં નાગા ઉગ્રવાદી સંગઠન ઝેલિયાંગરોંગ યુનાઇટેડ ફ્રન્ટ (ZUF)ના શંકાસ્પદ સભ્યોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારબાદ કુકી સમુદાયે 20 નાગા લોકોને બંધક બનાવ્યા, જ્યારે નાગા સમુદાયે 28 કુકી લોકોને બંધક બનાવ્યા. લગભગ એક મહિના પછી, 10 જૂને કાંગપોકપી જિલ્લામાં કુકી કબજામાં રહેલા નાગા બંધકોમાંથી છ લોકોના ક્ષતવિક્ષત મૃતદેહો સુરક્ષા દળોને મળ્યા. આ ઘટના બાદ બંને સમુદાયો વચ્ચે ફરી તણાવ અને હિંસા વધી.
જુલાઈથી ઓગસ્ટ સુધી આગચંપી અને ગોળીબાર
1 અને 2 જુલાઈ વચ્ચે કુકી અને નાગા ગામોમાં આગચંપીની અનેક ઘટનાઓ સામે આવી. 1 જુલાઈએ કુકી ગામ ફાઇમોલ અને તાંગખુલ નાગા ગામ શાંગખાલોકમાં ઓછામાં ઓછા 29 ઘરો સળગાવવામાં આવ્યા. તે જ દિવસે હુઇમાઇન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અનેક ઘરોમાં આગ લગાવવામાં આવી. બીજા દિવસે નોનઈ જિલ્લાના એક કુકી ગામમાં પણ ઘરો સળગાવવામાં આવ્યા.
24 ઑગસ્ટે ફરી હિંસા થઈ, જેમાં અનેક ઘરો સળગાવાયા અને ગોળીબારમાં 54 વર્ષીય અર્ધલશ્કરી જવાન ઘાયલ થયો. ત્રણ દિવસ બાદ કાંગપોકપી જિલ્લાના મકુઇ અશાંગ અને થાનામ્બા નાગા ગામ વચ્ચે અજાણ્યા બંદૂકધારીઓએ ઘાત લગાવી ચાર નાગા નાગરિકોની હત્યા કરી. 31 ઑગસ્ટે કાંગપોકપીમાં આઈટી રોડ નજીક થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત અને ચાર લોકો ઘાયલ થયા હોવાનું SP અભિનવે જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં કુકી-જો નાગરિકો નિશાન બન્યા
13 સપ્ટેમ્બરે બે અલગ ઘટનાઓમાં કુકી-જો સમુદાયના ચાર નાગરિકોની હત્યા થઈ, જેમાં બે મહિલાઓ સામેલ હતી. કોઈ સશસ્ત્ર સંગઠને જવાબદારી સ્વીકારી નથી, પરંતુ કુકી-જો સંગઠનોએ NSCN (ઇસાક-મુઇવા) અને ZUF પર આરોપ મૂક્યો.
તમંગલોંગ જિલ્લાના ટોલેન ગામમાં સવારે લગભગ 4 વાગ્યે સીનહ સિંગસિટ અને તેમની પત્ની લિંગજંગાઈ પર હુમલો થયો. લિંગજંગાઈનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેમના પતિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. તેમનો છ વર્ષનો પુત્ર ઘાયલ છે અને તેના શરીરમાં ગોળી ફસાઈ હોવાનું જણાવાયું છે.
નોનઈ જિલ્લાના લોંગપી ગામમાં બપોરે લગભગ 3 વાગ્યે ચોખા લઈ જતા ત્રણ લોકો પર ઘાત લગાવી હુમલો થયો. જૂલી ગાંગતે અને થાંગ્રોએલ ગાંગતેનું મોત થયું, જ્યારે તેમની સાથે રહેલી એક મહિલા ગુમ છે.
બે કુકી મહિલાઓની ગોળી મારી હત્યા
15 સપ્ટેમ્બરે લેઇસાંગફાઈ ગામમાં અજાણ્યા બંદૂકધારીઓએ બે કુકી મહિલાઓને ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ 78 વર્ષીય ફાલનેઇચિંગ ઉર્ફે ચોંગા સિતલહૌ અને 28 વર્ષીય કિમજાલહિંગ ઉર્ફે કિમનિયો સિંગસોન તરીકે થઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિતલહૌ લાકડાં એકત્ર કરી રહ્યાં હતાં ત્યારે તેમને ગોળી મારવામાં આવી. જ્યારે કિમજાલહિંગે નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માતા-પિતાને ખેતીકામમાં મદદ કરવા ઘરે પરત ફર્યા હતા. બંનેની એક જ સ્થળે ગોળી મારી હત્યા કરવામાં આવી.
મણિપુરમાં હિંસાના આ સતત બનાવો વચ્ચે કુકી-જો અને નાગા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા, નાગરિકોની સુરક્ષા અને સરકારની શાંતિ સ્થાપવાની ક્ષમતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે સતત વધી રહેલી આગચંપી અને ગોળીબારને રોકવા માટે કાયમી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા ક્યારે ઊભી કરવામાં આવશે?







