
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આદિજાતિ વિકાસ મંડળની બેઠકનો પત્ર લખી બહિષ્કાર કર્યો છે. આજે ભરૂચ જિલ્લા સાંસદના કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જો કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મિટિંગનો બહિષ્કાર કરી તેમાં હાજરી આપી ન હતી. આ બાબતે મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે.

વસાવાએ કુંવરજી હળપતિને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં તેઓએ સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લેવાયા નથી. સાથે જ ગુજરાત પેટર્નની મીટીંગ પણ સરકારના ધારા ધોરણ મુજબ ન મળતી હોવાના આક્ષેપ કર્યા છે.
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન, જીલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યોને, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઇ આયોજન કરવું જોઈએ પરંતુ તેવું થતું નથી માટે આજની મીટીંગમાં ખાસ કારણોસર તેઓને સખ્ત નારાજગી હોવાથી તેઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા.
મનસુખ વસાવાની ગેરહાજરીમાં લાખોના કામોનું કરાયું આયોજન
બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25ના આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના 9 તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96 ટકામાં રૂ. 1867.51 જોગવાઈ સામે રૂપિયા 1924.63 લાખના કુલ 526 કામોનું વાર્ષિક આયોજન કરાયું છે.








