
ગુજરાતમાં નશાની બદીને નાથવા અનેક પ્રયાસો થઈ રહ્યા છૈ. રાજ્યમાં નશાકારક ચીજ-વસ્તુઓ પર પ્રતિબંધ હોવા છતાં વારંવાર નશાકારક પદાર્થો ઝડપાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં 31 ડિસેમ્બરને લઈ તપાસ સઘન કરી છે.
ત્યારે અમદાવાદના વટવા પોલીસે ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે 12 કિલો હાઈબ્રિડ ગાંજો(3.60 કરોડની કિંમત) પકડ્યો છે. મોરબીના યોગેશ પટેલ નામના શખ્સ પાસેથી આ ગાંજો મળી આવ્યો છે. પોલીસે યોગેશ પટેલ, નિધિ અને સાયલી નામની મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાંથી ગાંજા સાથે યોગેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે.
આ રીતે ઝડપાયું ષડયંત્ર?
વટવા પોલીસની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે એક કારમાં બેઠેલા પેસેન્જરનું ચેકિંગ કર્યું હતું. પેસેન્જરની બેંગ ચેક કરતા તેની પાસેથી ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. વટવા પોલીસે પેસેન્જરની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી જ્યાં FSLની ટીમને બોલાવી લીધી હતી. ટીમે શંકાસ્પદ પદાર્થની તપાસ કરતાં તે હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. વટવા પોલીસે તરત જ પેસેન્જરની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી હતી. યુવકનું નામ યોગેશ પટેલ અને તે મોરબીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. યોગેશ બેંગકોકથી કરોડો રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે હવે તપાસ તેજ કરી છે.







