
ઓડિશાના બાલાસોરના ભાજપ સાંસદ પ્રતાપ સિંહ સારંગી સંસદની સીડી પરથી ગબડી ગયા. તેમના માથામાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હકીકતમાં બાબાસાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે કોંગ્રેસે સંસદ ભવન પરિસરમાં માર્ચ યોજી હતી. જવાબમાં ભાજપે કોંગ્રેસ પર જુઠ્ઠાણાનું રાજકારણ કરવાનો આરોપ મૂકતા દેખાવો કર્યા હતા. આ દરમિયાન BJP સાંસદ પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. કહ્યું છે કે રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો હતો. જેથી સીડીઓ પરથી પડી ગયો. અહેવાલો અનુસાર, ફર્રુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતને રાહુલે ધક્કો માર્યો હતો અને તે સારંગી પર પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાહુલે આરોપોને નકારતાં શું કહ્યુ્ં?
આ ઘટના અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે, તમારા કેમેરામાં જ આખી ઘટના જોઈ શકાય છે. હું સંસદના પ્રવેશ દ્વારની અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ભાજપ સાંસદ મને રોકવા, ધક્કો મારવા અને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેથી આ ઘટના બની છે. મલ્લિકાર્જુન ખડગેને ધક્કો મરાયો છે. પ્રિયંકા ગાંધીને પણ ધક્કો મરાયો છે. જોકે, ધક્કા-મુક્કીથી અમે ડર્યા નથી. આ પ્રવેશ દ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. ભાજપ સાંસદ અમને અંદર જતા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરની સ્મૃતિનું અપમાન કરી રહ્યા છે.







