
આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના ઝઘડિયામાં રહેતી 10 વર્ષિય બાળકી પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચાર્યું હતુ. એટલું જ નહીં બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં બેવાર ઓપરેશન કરવા પડ્યા છે. બાળકીને અનેક 3 યુનિટ જેટલું લોહી ચઢાવવા છતાં બાળકીની તબિયતમાં સુધારો થયો નહતો.
180 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યાં બાદ બાળકીએ અંતિમ શ્વાસ લીધા છે. તેને ભાનમાં લાવવા ડોક્ટરોની ટીમ પ્રયત્નો કર્યા હતા. ઉલ્લેખનીય છે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા બાદ બાળકીની સ્થિતિ વધુ કથળી જતાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં બાળકીની બેવાર સર્જરી કરવામાં આવી હતી. જોકે સઘન સારવાર થવા છતાં બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી હતી. અંતે તે જીવન સામેની જંગ હારી ગઈ છે.
રેપ પીડિત બાળાની સારવાર કરી રહેલા ડોક્ટરના જણાવ્યા અનુસાર, બાળકીને બપોરે 2 વાગે કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો. તે પછી સાંજે સવા પાંચ વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી. ત્યાર બાદ 6.15 વાગે બાળકીએ દમ તોડી દીધો હતો.
ડોક્ટરના જણાવ્યા અનુસાર, કાર્ડિયાક એરેસ્ટ આવ્યા પછી બાળકીના ઓર્ગન ફેલ થઈ ગયા હતા. તે પછી બાળકીની તબિયત સતત બગડતી ગઈ હતી. અંતે સાંજે સવા છ વાગ્યાની આસપાસ ગુજરાતની નિર્ભયાએ અંતિમ શ્વાસ છોડ્યા હતા.